અમદાવાદ, તા.૧૯

રાજ્યમાં ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગીરના જંગલમાં બે કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.  બીજી તરફ ખાંભામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. તો ભાવનગર, પાલીતાણા અને બોટાદ તેમજ સુરતમાં પણ ધોધમાર વરસાદ થયાના અહેવાલો સાંપડ્યા છે. ત્યારે પાલીતાણાના વડાળમાં વીજળી પડતા એકનું મોત થયું છે. ગુજરાતમાં એક તરફ બફારો વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો  વરસાદ આવી શકે છે. જ્યારે ગીરના જંગલ વિસ્તારમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા  રાવલડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. જ્યારે ખાંભા, ભાવનગર, મહુવા, બોટાદ પંથકમાં  ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયા છે. વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. જ્યારે સુરતમાં પણ અસહ્ય બફારા બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આમ રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો ૧ર૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. ૧૮થી ર૦ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો અને ઘણી જગ્યાએ ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં શુક્રવાર સુધીમાં સિઝનનો ૪૧.૮ ઈંચ એટલે કે ૧ર૭.૮૯ ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ર૭૯.૬૩ ટકા વરસાદ કચ્છમાં પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ૧૭૩.૯૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૧.૭૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૭.૭પ ટકા અને મધ્ય ગુજરાતમાં ૯૩.૦ર ટકા વરસાદ નોંધાયો છે. સાઈકલોનિક સરક્યુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દ્વારકા, રાજકોટ, ગીર, સોમનાથ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.