અમદાવાદ, તા.૧૯

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં ર૧થી ર૭ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ખેડા, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ તમામને એલર્ટ રહેવા અને જરૂરી આગોતરી તૈયારીઓ કરવા માટે પણ રાહત કમિશનર દ્વારા તાકિદ કરવામાં આવી છે. જ્યારે બુધવાર સાંજ સુધી રાજ્યના ૧૧પ તાલુકાઓમાં ભારે ઝાપટાંથી સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે રાજ્યના ર૦પ જળાશયોમાં ૬૪ ટકા કરતા વધુ જળસંગ્રહ છે. ભારે વરસાદથી ૯૦ ટકાથી વધારે ભરાયા હોય તેવા ૯૮ ડેમો અત્યારે હાઈએલર્ટ પર છે. જ્યારે ૮૦થી ૯૦ ટકા ભરાયા હોય તેવા ૯ ડેમો એલર્ટ પર છે. જ્યારે ૭૦ ટકાથી વધારે ભરાયેલા ૧૪ ડેમો વોર્નિંગ સ્ટેજ પર છે. જ્યારે હજુ પણ ૮૪ ડેમોમાં ૭૦ ટકા કરતા ઓછું પાણી છે. ભારે વરસાદને કારણે રાજ્યની ૩૯ નદીઓમાં પૂર જેવી સ્થિતિ તો ૪૪ જેટલા તળાવો ઓવરફ્લો થયા છે. જ્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને આગાહીને પગલે રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને એલર્ટ રહેવા અને આગોતરી તૈયારીઓ કરવા તાકિદ કરી છે જેમાં પોલીસ, વાહનવ્યવહાર, કૃષિ સહિતના વિભાગોને તાકિદ કરવામાં આવી છે. જ્યારે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાત મોકલાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમ યથાવત્‌ રાખવામાં આવશે, આમ ભારે વરસાદની આગાહી સામે તંત્ર એલર્ટ બન્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.