અમદાવાદ,તા. ૭
રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આનો મતલબ એ થયો કે ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં ફેરફાર સ્થિતિ હાલ જોવા મળી રહી છે. આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૮ ડિગ્રી, અમરેલીમાં ૧૬.૧ ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. પંજાબ અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સની સ્થિતીના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતી હાલમાં સર્જાઈ હતી જેથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જો કે, હવે ફરી એકવાર તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ પ્રકારના વાતાવરણની સીધી અસર બાળકો અને મોટી વયના લોકો પર થાય છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬ અને મહત્તમ તાપમાન ૩૧.૧ ડિગ્રી રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૪.૮ અને નલિયામાં ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે શહેરમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૪ ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના સકંજામાં લોકો ઝડપથી આવી રહ્યા છે. કેસો પણ વધી રહ્યા છે.
ક્યાં કેટલું તાપમાન

સ્થળ તાપમાન (લઘુત્તમ)
અમદાવાદ ૧૬
ડીસા ૧૬.૩
ગાંધીનગર ૧૪.૮
વડોદરા ૧૮.૪
સુરત ૨૦.૮
વલસાડ ૧૪.૬
અમરેલી ૧૬.૧
પોરબંદર ૧૪.૫
રાજકોટ ૧૬.૩
સુરેન્દ્રનગર ૧૬.૭
ભુજ ૧૩
નલિયા ૧૧.૪
કંડલા ૧૫
મહુવા ૧૮.૨