અમદાવાદ, તા.૨૧
રાજ્યમાં દિવસે ગરમી અને મોડીરાત્રે અને વહેલી સવારે ઠંડીને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વળી લઘુતમ તાપમાનમાં પણ સામાન્ય વધઘટ જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. કાશ્મીરમાં નજીક પશ્ચિમી સરક્યુલેશનના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હાલ ગુજરાતમાં સવારે અને રાત્રે ઠંડી મહંદઅંશે વર્તાઈ રહી છે, જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સત્તાવાર રીતે ઉનાળો શરૂ થવાના એંધાણ દર્શાવ્યા છે. હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રીને લઈને એક આગાહી કરી છે. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં આગામી બે દિવસમાં ૨ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે, ત્યારે ૨૪મી ફેબ્રુઆરીએ તાપમાન ૩૫ ડિગ્રી રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૨૪ ફેબ્રુઆરીથી ગરમીનું પ્રમાણ વિધિવત રીતે વધશે, જેના કારણે ગરમીની સત્તાવાર રીતે શરૂઆત થશે. રાજ્યમાં બદલી રહેલા વાતાવરણના કારણે હાલ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે અને ઉનાળો દસ્તક દઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આવનાર ૨ દિવસ ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતો જોવા મળેશે. ૨૪ ફેબ્રુઆરીએ તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. માર્ચથી ઉનાળાના શરૂઆત થઇ જશે અને તાપમાનનો પારો માર્ચમાં ઉંચે જશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાલ ઠંડીની સિઝન પૂર્ણ થવાને આરે છે. જો કે, ઉનાળાની શરૂઆત પહેલા જ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો પંખાનો પણ સહારો લઈ રહ્યા છે. ખેત ઉત્પાદનમાં નુકસાન થઈ રહ્યુ છે. સિઝનનો માર મોલ ઉપર પડી રહ્યો છે. કુદરતના વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે ખેડૂતોને સૌથી વધુ નુકસાન પહોંચી રહ્યુ છે. આ વખતે કચ્છની કેસર આમે મોડી આવે છે ત્યારે આ વખતની સિઝનને જોતા તે હજુ બે મહિના મોડી પડશે.