અમદાવાદ, તા.૧૯
કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન-૪માં રાજ્ય સરકારની જાહેરાત બાદ એસટી નિગમે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. બુધવારથી એટલે આવતીકાલથી રાજ્યમાં બસ સેવા શરૂ થશે. આ માટે એસટી તરફથી ચાર ઝોનમાં બસો દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે જીએસઆરટીસી તરફથી બસો દોડાવા માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. વળી આ માટે મુસાફરોએ ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે. બસ સ્ટેશન ખાતે ટિકિટ વિન્ડો પરથી ટિકિટ નહીં મળે. ઉપરોક્ત ટિકિટ માટેની રકમની ચૂકવણી પણ ડિજિટલ પેમેન્ટથી કરવાની રહેશે. વળી એક ઝોનની બસ બીજા ઝોનમાં પ્રવેશ કરશે નહીં. એટલે કે જે ઝોનની બસ હશે તે એ જ ઝોનમાં દોડશે. આમ સૌરાષ્ટ્ર ઝોનની બસ હશે તે સૌરાષ્ટ્ર ઝોનમાં દોડશે તે ઉત્તર કે મધ્ય ગુજરાત ઝોનમાં પ્રવેશી શકશે નહીં.
આ સાથે બસોમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પણ પાલન કરવું પડશે. બસમાં તેની ક્ષમતાના ૭૦ ટકા જ મુસાફરો ભરવામાં આવશે. વળી સવારે સાતથી સાંજના સાત વાગ્યા સુધી જ બસ દોડશે. સાંજના સાત વાગ્યાથી સરકાર તરફથી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. તેથી આ સમયમાં બસ દોડાવાશે નહીં વળી બસ સ્ટેશન પરથી પ્રવાસીને બેસાડવામાં આવશે તે પહેલા થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. આ દરમિયાન જો કોઈ મુસાફરનું તાપમાન વધારે હશે તો તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. દરેક મુસાફરે ફરજિયાત માસ્ક પહેરવું પડશે. બસમાં પાનની પીચકારી નહીં મારી શકાય, એક બસમાં ૩૦ જેટલા પ્રવાસીઓને બેસાડવામાં આવશે અને બસમાં ચડતી-ઉતરતી વખતે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાનલ કરવાનું રહેશે. આ ઉપરાંત દરેક બસને સેનિટાઈઝ કરવામાં આવશે.