(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
કોરોના વાયરસને લઈ લોકડાઉનની વર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારને કરોડોની આવક ગુમાવવા સાથે રાજ્યભરમાં ઉદ્યોગ-ધંધાઓને થયેલ આર્થિક નુકસાનને પગલે હવે આગામી સમયમાં રાજ્યમાં આર્થિક પુનઃનિર્માણ તથા રાજકોષિય-ફિઝિકલ પુનઃગઠન અંગે ભલામણો-સુઝાવો માટે ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે પોતાનો વચગાળાનો અહેવાલ (ઈન્ટરીમ રિપોર્ટ) સરકારને સુપરત કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય સચિવ હસમુખ અઢિયાના અધ્યક્ષ પદવાળી આ સમિતિની બેઠક આજે ગાંધીનગરમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મંત્રીઓ ઉ.અધિકારીઓ પણ જોડાયા હતા. સમિતિએ રજૂ કરેલ અહેવાલના સંદર્ભમાં રાજ્યના ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પુતઃધબકતા કરવા તથા કોવિડ-૧૯ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશામાં સર્વગ્રાહી કાર્યયોજના માટે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ વિષયવાર વિસ્તૃત પરામર્શ અને ચર્ચા-વિચારણા કર્યા હતા. આ સમિતિ રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકસાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસિફિક પુનઃગઠન માટેના ઉપાયો-સુઝાવો, રાજ્યની રાજકોષિય-ફિઝિકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતિની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબત તેમજ કોવિડ-૧૯ મહામારી પછીની ઉદભવનારી સ્થિતિમાં રાજકોષિય ખાદ્ય-ફિઝિકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પુનઃવિચારણા તેમજ પુનઃગઠનની બાબતે પણ આ સમિતિ ભલામણો કરશે. એટલું જ નહીં, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઈવલ માટે ઈમિજીયેટ-ત્વરિત, મીડિયમ ટર્મ-ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ-લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતિ તૈયાર કરી રહી છે. આ સમગ્ર બાબતોનો એકશન પ્લાન સમિતિ એક મહિનામાં રાજ્ય સરકારને આપવાની છે. મુખ્યમંત્રીએ રચેલી ૬ સભ્યોની આ સમિતિમાં વિવિધ આર્થિક ક્ષેત્રના તજજ્ઞોનો સમાવેશ કરાયો છે જેમાં આઈઆઈએમ અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો.રવિન્દ્ર ધોળકિયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મુકેશ પટેલ, ફાયનાન્સિયલ એકસપર્ટ પ્રદીપ શાહ, પૂર્વ આઈએએસ અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે જીઆઈડીસીના એમડી એમ.થેન્નારસનની નિયુક્તિ કરી છે.