સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક સ્થળોએ કોલ્ડવેવની આગાહી • અનેક સ્થળોએ પારો ગગડવાની સંભાવના

અમદાવાદ, તા.ર૭
રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ આવતીકાલથી શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે. રવિવાર સાંજથી જ ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સોમવારે જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળશે. છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. તેમાં રવિવારના રોજ ઘટાડો જોવા મળ્યો છે. ૮ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું, જ્યારે અન્ય અનેક સ્થળોએ પણ પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો નીચો જતા લોકોએ ઠંડીનો જોરદાર ચમકારો અનુભવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કાતિલ ઠંડી જોવા મળશે. નવા વર્ષના આગમન ટાણે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. આવનાર દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડી વધતા તાપમાનનો પારો ૭ ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે. બે દિવસ ઠંડીમાં સામાન્ય રાહત બાદ ફરી એકવાર ઠંડીએ જોર બતાવવાનું શરૂ કર્યું છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં પારો ૮.૦ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં ૧ર.૦, ડીસામાં ૧ર.ર, અમદાવાદમાં ૧૩.૪, કંડલા એરપોર્ટ અને કેશોદમાં ૧૩.૬, રાજકોટમાં ૧૪.૧, અમરેલીમાં ૧૪.૪, ભૂજમાં ૧૪.૭, જ્યારે સુરેન્દ્રનગરમાં ૧૪.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાનના જાણકારોના મત મુજબ સામાન્ય રીતે સૂર્ય જ્યારે મકરવૃત તરફ જતો હોય ત્યારે ઠંડી વધવા લાગે છે. આમ, ર૯ ડિસેમ્બરથી ઠંડી જોર પકડશે. તેવું લાગી રહ્યું છે. રવિવારના રોજ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પહાડી વિસ્તાર પરથી પસાર થઈ રહી છે. જેના કારણે બે દિવસ ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સોમવારની રાત્રિથી ધીમે-ધીમે પારો ગગડશે ત્યારે શીતલહેર જોવા મળે તેવી શકયતા છે. ત્યારે રાજ્યમાં રવિવારથી લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ કોલ્ડવેવની અસર જોવા મળશે. જ્યારે લઘુતમ તાપમાન પણ ત્રણથી ચાર ડિગ્રી ઘટી જતા ઠંડીનું જોર વધવાની શક્યતા છે.