આજથી ૨૭ ડિસેમ્બર સુધી રાજ્યમાં કડકડતી ઠંડીના એંધાણ
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૧
રાજ્યમાં રવિવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં આંશિક રાહત રહ્યા બાદ રાત્રિના ઠંડીએ જોર પકડતાં આજે દિવસભર અંગ ધ્રૂજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. જો કે, વાદળાઓ વિખેરાઈ ગયા હોવાથી આગામી દિવસમાં કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. આજે રાજ્યમાં ગિરનાર પર્વત પર સૌથી વધુ ૬.૧ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, જ્યારે મેદાની વિસ્તારની વાત કરીએ તો નલિયા ૬.૬ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધુ ઠંડુ શહેર નોંધાયું હતું.
રાજ્યના આકાશમાં રવિવારે વાદળો બંધાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા. જો કે, વાદળોને કારણે ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો હતો. હવે આજરોજ સવારથી વાદળો વિખેરાઈ ગયા હોવાથી ગઈકાલ કરતા ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે રાજ્યના હવામાનમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું તો, કેટલાક વિસ્તારમાં બે દિવસ સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો. પરિણામે ખેતરોમાં લહેરાતા ઊભા મોલ અને માર્કેટયાર્ડમાં સંગ્રહ કરાયેલા પાકને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને ઘઉં, ચણા, કપાસ, કઠોળ, બાજરી, ડાંગર, તમાકુ સહિતના પાકને ઓછાવત્તા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ ઉપરાંત શાકભાજીના કેટલાક પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ઉપરાંત ગઈકાલે ફરીથી વાદળો બંધાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જો કે, આજે વાદળો વિખેરાઈ જતાં ખેડૂતોને હાશકારો થયો છે.
દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ગત રાત્રિથી ઠંડીનો અનુભવ થવા લાગ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ઠંડીની અસર જોવા મળી હતી. ગિરનાર પર્વત પર રાજ્યનું સૌથી નીચું તાપમાન ૬.૧ ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ નલિયામાં ૬.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૯.૫ ડિગ્રી ભૂજમાં ૯.૯ ડિગ્રી તથા ડીસામાં ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આવતીકાલ તા.૨૨ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.
Recent Comments