• અનેક સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦થી ૧ર ડિગ્રીની નજીક

• ધુમ્મસના કારણે વિઝિબિલીટી ઘટતાં વાહનચાલકો પરેશાન

અમદાવાદ,તા.ર૪
રાજયમાં ફરી એકવાર ઠંડીના ચમકારો જોવા મળી રહ્યો છે. કચ્છમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે આજે નલિયામાં લઘુતમ તાપમાન પ.૧ ડિગ્રી નોંધાતા નલિયાવાસીઓ ફરી એકવાર કડકડતી ઠંડીથી ધ્રૂજી ઉઠયા હતા. અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં રથી ૩ ડિગ્રીનો ઘટાડો થતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો જયારે આગામી બે દિવસ રાજયમાં અનેક સ્થળોએ લઘુતમ તાપમાનના ઘટાડા સાથે ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજયમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જયારે લોકોને આંશિક રાહત મળી હતી. જયારે ર૪મી જાન્યુઆરીથી ઠંડીનો બીજો એક રાઉન્ડ શરૂ થયો છે. લોકોએ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવી રહ્યા છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો રાજયમાં નલિયામાં સૌથી ઓછું પ.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે ગાંધીનગરમાં ૯.૦, વલસાડમાં ૧૦.પ, અમરેલીમાં ૧૧.૦, કંડલા એરપોર્ટમાં ૧૧.ર, અમદાવાદમાં ૧૧.૬ જયારે ડીસા અને રાજકોટમાં ૧ર.૦, ભૂજમાં ૧ર.ર, કંડલા પોર્ટમાં ૧ર.૪, સુરેન્દ્રનગરમાં ૧ર.૬ અને વડોદરામાં ૧૩.૪, લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યાં અમદાવાદ સહિત અનેક સ્થળોએ વહેલી સવારે ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. જેના કારણે વિઝિવીલીટી ઘટતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હવામાનના સૂત્રોના જણાવ્યા મુજબ આવનાર ચારથી પાંચ દિવસ રાજયમાં ઠંડીનો ચમકારો જોવા મળશે જયારે આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર સાથે સાયકલોનિક સરકયુલેશન એકિટવ થતા હવામાનમાં પલટો આવવાની શકયતા છે. અગાઉ પણ હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરીના આરંભે રાજયના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી હતી. આમ આગાહી દિવસોમાં લઘુતમ તાપમાનમાં રથી ૩ ડિગ્રીનો ઘટાડો થતા કડકડતી ઠંડી પડશે. જયારે એક ખાનગી સંસ્થાની અનુમાન મુજબ જાન્યુઆરીના અંત સુધી ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે.