• ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો

• રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન ગિરનાર પર્વત પર ૪.૬ ડિગ્રી જ્યારે નલિયામાં પારો ૭.૮ ડિગ્રી

અમદાવાદ, તા.પ
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી છાંટા વચ્ચે ઝાળક અને ઠારભર્યા વાતાવરણમાં ઠંડીનો ચમકારો યથાવત્‌ રહેવા પામ્યો છે. જ્યારે લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થવા છતાં ઠંડીમાં કોઈ રાહત મળી નથી. મંગળવારે સૌથી ઓછું તાપમાન ગિરનાર પર્વત ૪.૬ જ્યારે નલિયામાં ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે, આમ જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ ખાસ રાહત મળે તેવી શક્યતા નથી.
રાજ્યમાં હાલ શિયાળો જોરદાર જોર બતાવી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમ કે ડાંગ પંથકમાં તેમજ સુરતના ચીખલી અને ખેરગામ તેમજ નવસારી પંથકમાં તેમજ અરવલ્લીમાં ગત મોડી સાંજે બાયડ માલપુર અને પોશીના તેમજ મેઘરજ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જ્યારે ક્યાંક વરસાદી ઝાપટાં તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે એકતરફ ઠંડીમાં વધારો થયો છે તો બીજી તરફ કમોસમી વરસાદથી રવિપાક, ચીકુ, કેરી, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને પગલે આવનારી સિઝનમાં કેરીના પાકને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ કોલ્ડવેવની આગાહીને પગલે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે જેને પગલે તાપમાનનો પારો રથી ૩ ડિગ્રી ઘટવાની સંભાવના છે, આમ વાતાવરણના પલટા વચ્ચે ઠંડીનું જોર અકબંધ રહેવા પામ્યું છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો ગિરનાર પર્વત પર પારો ૪.૬, નલિયામાં ૭.૮, કેશોદમાં ૮.ર, પોરબંદરમાં ૯.૬, રાજકોટમાં ૧૦.૭, ભૂજ અને કંડલા એરપોર્ટમાં ૧૧.૦, અમરેલીમાં ૧૧.ર, વલસાડમાં ૧૧.પ, ડીસામાં ૧૧.૬, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ૧ર.૦ અને અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૩.પ ડિગ્રી નોંધાયું હતું, આમ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત્‌ રહેવા પામ્યો છે.
જ્યારે આગામી દિવસોમાં ઠંડીમાં કોઈ ખાસ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. ઠંડીનો ચમકારો યથાવત્‌ રહેતા છેલ્લા અનેક દિવસોથી લોકો સતત ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. જ્યારે સમગ્ર જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી શક્યતાઓ વચ્ચે તબીબો અને જાણકારો વિશેષ તકેદારી રાખવાનું જણાવી રહ્યા છે.