• નલિયામાં ૪.૧ ડિગ્રી તો પાટનગર ગાંધીનગરમાં ૮ ડિગ્રી ઠંડીથી લોકો ઠૂંઠવાયા

• રાજ્યમાં ર૭ જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો જારી રહેશે

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.રપ
રાજ્યમાં ગતરોજથી સૂસવાટા મારતા પવનો ફૂંકાયા બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં કચ્છ જિલ્લાના નલિયા ખાતે રાજ્યનું સૌથી નીચું ૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગીરનાર પર્વત પર ર.૮ ડિગ્રી અને ગુજરાતની સરહદે આવેલા માઉન્ટ આબુમાં માઈનસ ર ડિગ્રી તાપમાન નોંધાતા બરફની ચાદર પથરાઈ ગઈ હતી. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં ર૭ જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે. સાઈકલોનિક સરકયુલેશનની અસરને લીધે રાજ્યમાં આજે ઠંડીનો પારો ગગડી ગયો હતો રાજ્યમાં પર્વતીય વિસ્તારની વાત કરીએ તો ગીરનાર પર્વત પર સૌથી નીચું ર.૮ ડિગ્રી તાપમાન નોંધાતા પર્વત પરનું જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. જ્યારે મેદાની વિસ્તારની વાત કરીએ તો નલિયામાં સૌથી નીચું ૪.૧ ડિગ્રી તાપમાન નોંધાતા નલિયાવાસીઓ રીતસરના ધ્રૂજી ઊઠયા હતા. જ્યારે કંડલા એરપોર્ટ વિસ્તારમાં ૭.૬ ડિગ્રી, જૂનાગઢમાં ૭.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૮ ડિગ્રી, જામનગરમાં ૮.પ ડિગ્રી, કેશોદમાં ૮.૮ ડિગ્રી, ડીસામાં ૯ ડિગ્રી મહુવામાં ૯.૧ ડિગ્રી તથા અમરેલીમાં ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યમાં હિમાલયમાંથી ફૂંકાતા પવનને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ગીરનાર પર્વત પર ર.૮ ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ અને ધંધાર્થીઓને હિમાલયની અનુભૂતિ થઈ હતી. આગામી બે દિવસ સુધી તાપમાનનો પારો નીચે જતાં ઠંડીનો ચમકારો અનુભવાશે ત્યારબાદ ઠંડીનું પ્રમાણ પુનઃ ઘટતું જશે.