અમદાવાદ, તા.૯
રાજ્યમાં આકરો ઉનાળો તેનો અસલ મિજાજ બતાવી રહ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી મહત્તમ તાપમાનમાં સામાન્ય વટઘટ વચ્ચે લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અનેક સ્થળોએ એકાદ સપ્તાહથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની પાર જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોનાનો કહેર અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે તીવ્ર ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. ગઈકાલે અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચ્યો હતો જેમાં શનિવારે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ તાપમાન ૪૩ ડિગ્રી સુરેન્દ્રનગર ખાતે નોંધાયું હતું. રાજ્યમાં હાલ કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો ઘરમાં પૂરાઈ રહ્યા છે. ત્યારે ઉનાળો પણ ખૂબ તપી રહ્યો છે. વાત કરીએ તાપમાનની તો રાજ્યમાં સૌથી વધુ તાપમાન ૪૩.૦ ડિગ્રી સુરેન્દ્રનગર ખાતે નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં ૪ર.૭, ગાંધીનગર અને રાજકોટમાં ૪ર.પ, અમદાવાદમાં ૪ર.૪, વડોદરામાં ૪૧.૬, ડીસામાં ૪૧.૪, કંડલામાં ૪૧.ર, ભૂજમાં ૩૯.૩ અને ભાવનગર ૩૯.૧ મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે આગામી દિવસોમાં પણ ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી. કોરોનાના કહેર વચ્ચે ગરમીનો પ્રકોપ વધતા તબીબો સાવચેતી રાખવાનું સૂચવી રહ્યા છે. લૂ લાગવાથી બચવા અને સ્વસ્થ રહેવા માટે લીંબું સરબત, છાશ તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે જ્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લોકડાઉન વચ્ચે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ગરમી અને કોરોનામાં બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓની ખાસ દેખરેખ રાખવી જરૂરી છે. છેલ્લા કેટલાય દિવસોથી યલો અને ઓરેન્જ એલર્ટની વચ્ચે ગરમી જોવા મળી રહી છે જે ગમે ત્યારે રેડ એલર્ટમાં પરિણમી શકે છે. ટૂંકમાં મે મહિનામાં ૪૪ ડિગ્રીએ પહોંચેલો ગરમીનો પારો ૪પ ડિગ્રીએ જવાની શક્યતા છે.
ક્યાં કેટલું તાપમાન
સુરેન્દ્રનગર ૪૩.૦
અમરેલી ૪ર.૭
ગાંધીનગર ૪ર.પ
રાજકોટ ૪ર.પ
અમદાવાદ ૪ર.૪
વડોદરા ૪૧.૬
ડીસા ૪૧.૬
કંડલા ૪૧.ર
ભૂજ ૩૯.૩
ભાવનગર ૩૯.૧
Recent Comments