અમદાવાદ, તા.ર૮
રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર જારી છે જ્યારે બીજી તરફ લોકો કાળઝાળ ગરમીમાં સેકાઈ રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા લોકોને ‘લૂ’ લાગવાની સંભાવના વધી ગઈ છે. બુધવારના રોજ ભાવનગરમાં પારો ૪૪ ડિગ્રી હતો જ્યારે ગુરૂવારે પણ ૪૪.ર ડિગ્રી જેટલા ઉંચા મહત્તમ તાપમાન સાથે સતત બીજા દિવસે ભાવનગરવાસીઓ ભઠ્ઠીમાં સેકાયા હતા. ત્યારે આવનાર બે દિવસમાં ગરમીમાં કોઈ ખાસ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. રાજ્યમાં અનેક સ્થળોએ ગરમીનો પારો વધતા લોકો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે. મે મહિનાના આરંભથી જ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઉંચું જોવા મળી રહ્યું છે. લોકડાઉન વચ્ચે ત્રસ્ત લોકો તીવ્ર ગરમીથી પરેશાન થઈ ઉઠયા છે.
વાત કરીએ તાપમાનની તો ભાવનગરમાં સૌથી વધુ ૪૪.ર ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૪૩.ર, ગાંધીનગરમાં ૪૩.૦, રાજકોટમાં અને સુરેન્દ્રનગરમાં ૪ર.૧ જ્યારે આણંદમાં ૪૧.૯, ડીસામાં ૪૧.૮, કંડલામાં ૪૧.૪ જ્યારે વડોદરા અને અમરેલીમાં ૪૧.૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી કોઈ ખાસ રાહત મળે તેવી શક્યતા નથી.
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ઉઠયા છે. ત્યારે બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા લૂ લાગવાની શક્યતા વધી ગઈ છે. ગરમીથી બચવાના ઉપાયો હાથ ધરવા જાણકારો જણાવી રહ્યા છે જ્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની છે. બીજી તરફ આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે, હજુ પણ બે દિવસ મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીની નજીક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચોમાસું ઝડપથી આવી પહોંચે તેવી રાહ લોકો જોઈ રહ્યા છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત ૪૪.ર ડિગ્રીથી ભાવનગરમાં અગનવર્ષા

Recent Comments