અમદાવાદ, તા.૧
રાજ્યમાં એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, તો બીજી તરફ કાળ-ઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે જેને લીધે લોકો પરેશાન થઈ ઊઠ્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર નીકળી ગયો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ડિસા, વડોદરામાં ગરમીનો પારો ૪ર ડિગ્રીની સપાટીએ પહોંચતા લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. લોકડાઉનનું બરોબર પાલન કરાવતી હોય તેમ ગરમીના કારણે બપોરના સમયે રોડ-રસ્તા સૂમસામ બની જાય છે. જ્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં બે દિવસ માટે ‘રેડ એલર્ટ’ અપાયું છે. ત્યારે કાળ-ઝાળ ગરમી દેકારો બોલાવી રહી છે.
વાત કરીએ તાપમાનની તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪ર.૮, કંડલામાં ૪ર.૬, અમદાવાદમાં ૪ર.પ, ડિસામાં ૪ર.ર, ગાંધીનગરમાં ૪ર.૦, રાજકોટમાં ૪૧.૪, વડોદરામાં ૪૧.૦, ભૂજમાં ૪૦.પ અને ભાવનગરમાં ૩૯.પ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. કોરોનાના કહેર વચ્ચે ગરમીનો પ્રકોપ વધતાં તબીબો સાવચેતી રાખવાનું સૂચવી રહ્યા છે. ‘લૂ’ લાગવાથી બચવા અને સ્વસ્થ રહેવા માટે લીંબુ સરબત, છાશ તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લોકડાઉન વચ્ચે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ગરમી અને કોરોનામાં બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓની ખાસ દેખરેખ રાખવી જરૂરી છે.

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી

અમદાવાદ, તા.૧
એક તરફ કોરોનાનો કહેર બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં સાયકલોનિક સરક્યુલેશનની અસરને પરિણામે આગામી ત્રણ દિવસ રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવાઈ છે. આમ અગાઉ બે દિવસના કમોસમી વરસાદ બાદ ફરી એકવાર સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. હાલ રાજ્યમાં કેરીની સિઝન છે. ત્યારે આ વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. વળી લોકડાઉનને પરિણામે તૈયાર પાક બજારમાં પહોંચ્યો જ નથી ત્યારે જો વરસાદ આવશે તો ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનશે. આમ આ કમોસમી વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવશે. તે જોતાં જગતના તાતથી કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે.

ક્યાં કેટલું તાપમાન ?

સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪ર.૮
કંડલા ૪ર.૬
અમદાવાદ ૪ર.પ
ડિસા ૪ર.ર
ગાંધીનગર ૪ર.૦
અમરેલી ૪ર.૦
રાજકોટ ૪૧.૮
વડોદરા ૪૧.૦
ભૂજ ૪૦.પ
ભાવનગર ૩૯.પ