કેન્દ્રીય મંત્રીની જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીનું મહત્ત્વનું નિવેદન
• રાજ્યભરમાં રસીકરણ માટે સરકારી તંત્ર સંપૂર્ણ સજ્જ : મુખ્યમંત્રી
• સરકારના નિષ્ણાત લોકો નવા સ્ટ્રેન મુદ્દે કામ કરી રહ્યા છે : રૂપાણી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર
કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની પ્રજાને કેન્દ્રને પગલે કોરોનાની રસી મફતમાં આપવાનું જાહેર કર્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રસીકરણ માટે સરકાર અને તંત્ર સજ્જ છે. કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે અને હવે વેક્સિન ક્યારે આવે તેની રાહ જોવાઈ રહી છે. વેક્સિનેશન પૂર્વે ડ્રાય રનનો રાજ્યમાં પ્રારંભ થયો છે. આજે દાહોદ, વલસાડ, આણંદ જિલ્લામાં તેમજ ભાવનગર મહાનગર પાલિકામાં કોવિડ-૧૯ વેક્સિન માટે ડ્રાય રન યોજાઈ રહ્યું છે. જેમાં દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ, ભાવનગરમાં સર-ટી જનરલ હોસ્પિટલ, વલસાડમાં જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, આણંદમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તથા આ તમામ જિલ્લાઓના એક-એક શહેરી આરોગ્ય કેન્દ્ર, એક આઉટરીચ સેન્ટરમાં ડ્રાય રન યોજવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસી અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ નિવેદનમાં જણાવ્યું કે, રાજ્યમાં દરેકને મફત વેક્સિન મળશે. ફાઇઝર કંપનીની રસી આજે યુરોપ અને અમેરિકામાં આપણે જો રૂપિયામાં હિસાબ કરીએ તો લગભગ ત્રણ હજાર રૂપિયાની થાય છે. તેવી આ રસી લોકોને મફતમાં મળશે આ જાહેરાત આપણા માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ડ્રાય રન એકવાર થઇ ચૂકી છે આજે બીજીવાર પણ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર જેવી ઇશ્યુ કરશે તેમ ગુજરાતમાં પણ સિસ્ટેમેટિક બધાને રસી પ્રાપ્ત થાય તેની તૈયારી ગુજરાત સરકારે કરી દીધી છે. અમદાવાદમાં બ્રિટનના નવા કોરોના સ્ટ્રેનના પગપેસારા અંગે તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્રિટનથી આવેલા બધા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા છે. એમાથી કોરોના પોઝિટિવ લોકોને અલગ આઈસોલેટ કર્યા છે તેમની અલગ ટ્રિટમેન્ટ ચાલી રહી છે. જેથી એ સ્ટ્રેનની અસર બીજાને ન પડે. રાજ્ય સરકારના નિષ્ણાત લોકો આ સ્ટ્રેનની જાગૃતતા માટે કામ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વેક્સિનને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સિનની તૈયારીની સમીક્ષા કરવા માટે આજે દેશભરમાં કોરોનાનો ડ્રાય રન ચાલી રહ્યો છે. આ પ્રસંગે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને મોટી જાહેરાત કરી છે. તેમની જાહેરાત પ્રમાણે આખા દેશમાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને વક્સિન મફતમાં અપાશે. મંત્રાલય તરફથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૧૧૬ જિલ્લામાં ૨૫૯ જગ્યા પર કોવિડ-૧૯ અંગે ડ્રાય રનનું આયોજન કરાયું હતું.