(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
સમગ્ર વિશ્વમાં હાહાકાર સર્જી મહાસત્તાઓને હંફાવનાર કોરોના વાયરસ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પણ કહેર વર્તાવી રહ્યો છે અને સરકારી તંત્રને બરોબરનો હંફાવી રહ્યો છે. સતત ૩૬૦થી વધુ મોટાપાયે કોરોના પોઝિટિવ કેસો રાજ્યમાં નોંધાઈ રહ્યા છે અને ચિંતાજનક રીતે વધુ મરણનો સિલસિલો પણ જારી રહ્યો છે. રાજ્યમાં આજે વધુ રર વ્યક્તિઓનો કોરોનાએ ભોગ લીધો છે જેને પગલે કુલ મૃત્યુઆંક ૯૬૦ પર પહોંચ્યો છે તો રાજ્યમાં આજે વધુ નવા ૩૬૭ કેસ કોરોના પોઝિટિવ બહાર આવ્યા છે જેમાં હંમેશની જેમ જ અમદાવાદમાં સૌથી વધુ ર૪૭ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યભરમાંથી આજે વધુ ૪પ૪ કોરોનાના દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. રાજ્યમાં લોકડાઉન-કરફ્યુ સહિતના કડક પગલાંઓ વચ્ચે પણ કોરોના વાયરસના સંક્રમણના બનાવો સતત વધી રહ્યા છે. તેની સાથે સાથે કોરોનાનો મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે જેને લઈને લોકોમાં ભય તથા ચિંતાની લાગણી જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ રર વ્યક્તિઓ કોરોનાનો ભોગ બન્યા છે. તેમાં એકલા અમદાવાદના જ ૧૬ દર્દીઓના મોત થયા છે. એટલે અમદાવાદમાં કોરોનાનો કુલ મૃતાંક ૭૮૦ થવા પામ્યો છે તે પછી વડોદરામાં ત્રણ તથા સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ જિલ્લામાં ૧-૧ દર્દીના મરણ થતાં આજે રર મૃત્યુ સાથે રાજ્યમાં કોરોનાને લીધે કુલ ૯૬૦ના મોત થવા પામ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કુલ-૪પ૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે જેમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૩૮૧ દર્દીઓને અને ત્યારબાદ સુરત જિલ્લામાંથી ર૧ દર્દીઓને રજા આપવામાં આવેલ છે. આ ઉપરાંત કચ્છ-૧ર, અરવલ્લી-૧૦, ગાંધીનગર-૭, પાટણ-૬, જામનગર-ર, જૂનાગઢ-૩, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠા ર-ર, ખેડા અને વલસાડ ૧-૧ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવેલ છે જેને પગલે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૮૦૦૩ દર્દીઓ કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવના વધુ ૩૬૭ કેસ બહાર આવ્યા છે જેને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧પ,પ૭ર પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા છે. આ કુલ કેસો પોણા ભાગના એટલે કે, ત્રીજા ભાગના કેસ એકલા અમદાવાદના છે. આજના વધુ નવા ર૪૭ કેસ બહાર આવતા અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક ૧૧,૩૪૪ પર પહોંચ્યો છે. એટલે કે બાકીના પા ભાગના (રપ ટકા) કેસો સમગ્ર રાજ્યમાં નોંધાયેલા હોવાનું સ્પષ્ટ થાય છે. છેલ્લા ૧૦-૧પ દિવસથી તો અમદાવાદ અને રાજ્યભરના કેસોની સરેરાશ આ રીતે જ વધતી જોવા મળી રહી છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં અમદાવાદ સિવાય સુરતમાં ૪૪, વડોદરા-૩૩, મહિસાગર-૮, કચ્છ-૭, રાજકોટ-૭, ગાંધીનગર-૪, આણંદ-પંચમહાલ-ર, ખેડા-અરવલ્લી-બનાસકાંઠા-બોટાદ-છોટાઉદેપુર-ગીરસોમનાથ-જૂનાગઢ-મહેસાણા-મોરબી-નવસારી, પાટણ-સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે ૧-૧ કેસ રાજ્યમાં કુલ ૧પ,પ૭ર કેસ પૈકી ૭૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેન્ટિલેટર પરના દર્દીઓનો આંક પણ વધી રહેલો છે. ગતરોજ ૯ર હતા અને તેના આગલા દિવસે ૧૦૯ વેન્ટિલેટર પર હતા. જ્યારે ૬પ૩પની સ્થિતિ સ્થિર બનાવાઈ રહી છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ ૩,૧૩,૭ર૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે. જે પૈકી ૩,૦પ,૪૪૩ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા ૮ર૮૬ વ્યક્તિઓને ફેસીલિટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલ છે.

ગુજરાતમાં કોરોના કેસો

શહેર કેસ
અમદાવાદ ૨૪૭
સુરત ૪૪
વડોદરા ૩૩
મહીસાગર ૦૮
કચ્છ ૦૭
રાજકોટ ૦૭
ેગાંધીનગર ૦૪
આણંદ ૦૨
પંચમહાલ ૦૨
ખેડા ૦૧
અરવલ્લી ૦૧
બનાસકાંઠા ૦૧
બોટાદ ૦૧
છોટાઉદેપુર ૦૧
ગીર-સોમનાથ ૦૧
જૂનાગઢ ૦૧
મહેસાણા ૦૧
મોરબી ૦૧
નવસારી ૦૧
પાટણ ૦૧
સુરેન્દ્રનગર ૦૧
વલસાડ ૦૧
કુલ ૩૬૭