• કોરોનાએ રાજ્યમાં વધુ રરના લીધા ભોગ : કોરોનાનો કુલ મૃત્યુઆંક ર૬૦૬ ! • અત્યારસુધીમાં રાજ્યભરમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક ૬૮ હજારને પાર : જ્યારે કોરોનામાંથી સાજા થનારાનો આંક પ૧ હજારને પાર !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
રાજ્યમાં કોરના વાયરસનું સંક્રમણ ઓછું થવાનું નામ લેતું નથી. રાજ્યના તમામ જિલ્લામાં કોરોનાનો વ્યાપ પ્રસરી ચૂક્યો હોઈ રોજેરોજ કેસો બહાર આવી રહ્યા છે. લોકડાઉન બાદ અનલોકની છૂટછાટમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ વકર્યું છે અને તેમાં પણ છેલ્લા વીસેક દિવસથી તો કોરનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી કોરનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં કોરોના પોઝિટિવના વધુ નવા ૧૦૭૪ કેસ બહાર આવ્યા છે તો તેની સામે કોરોનામાંથી સાજા થવાના મામલામાં ભારે ઉછાળો નોંધાતા કુલ કેસોના આંકથી પણ તેનો આંક વધી જવા પામ્યો છે. રાજ્યમાં આજે ૧૩૭૦ દર્દીઓ સાજા થવામાં સફળ રહ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ એ જ ગતિએ જારી રહેતાં ર૪ કલાકમાં વધુ રર વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. રાજ્ય સરકારના દાવા મુજબ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૭પ.૦૪ ટકાએ પહોંચ્યો છે. ભારતમાં કોરોનાના કેસ આજે ૧૯ લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ ૬૭ હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે, તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૦૭૪ કેસ નોંધાતા કુલ કેસોનો આંકડો ૬૮,૮૮૫ પર પહોંચ્યો છે. આજે ૧૩૭૦ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૫૧,૬૯૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, આમ ગુજરાતમાં સાજા થવાનો દર ૭પ ટકા છે, તો આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, વડોદરા, દાહોદ, જામનગર અને વલસાડમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હવે ૧૪,૫૮૭ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ દર્દીઓના ભોગ લીધો છે જેને લઈને અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૬૦૬ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આજના મૃત્યુમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૦નાં મોત થયા છે તે પછી અમદાવાદમાં ૩, મોરબી અને વડોદરામાં ર-ર વ્યક્તિ મૃત્યુ પામી છે. જ્યારે અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ અને વલસાડમાં કોરોનામાં ૧-૧ વ્યક્તિનું મૃત્યુ નિપજેલ છે. આ સાથે કોરોના હોટસ્પોટ એવા અમદાવાદમાં કુલ ૧૬ર૬નાં મોત થયા છે તો સુરતમાં કુલ ૪૮૮ મોતને ભેટ્યા છે. રાજ્યમાં ર૪ કલાકમાં કોરોનાના નવા કેસોમાં સૌથી વધુ સુરત શહેરમાં ૧૮૩ અને જિલ્લામાં ૪૮ મળી કુલ ર૩૧ કેસ નોંધાયા છે તે પછીના ક્રમે અમદાવાદ શહેરમાં ૧૪ર અને જિલ્લામાં ૧૧ મળી કુલ ૧પ૩ કેસ નોંધાયા છે. વડોદરા-રાજકોટ, જામનગર, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ જેવા જિલ્લામાં આજે પણ વધુ કેસો જારી રહેલ છે. જેમાં વડોદરા જિલ્લામાં ૧૧૦ કેસ, રાજકોટ જિલ્લામાં ૯૦ કેસ, જામનગરમાં-પર, જૂનાગઢ-૪૬, મહેસાણા-૪૩, ભાવનગર-૩૭, કચ્છ-ર૪, ગીર-સોમનાથ-ર૩ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી રર કેસ નોંધાવવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ કેસ ૬૮,૮૮પ થવા પામેલ છે. જ્યારે અમદાવાદમાં કોરોનાનો કુલ આંક ર૭પ૮૭ અને સુરતમાં ૧૪૭૭૭ થવા પામ્યો છે.