કોરોના ટેસ્ટના પ્રમાણમાં ફરી વધારો કરાતાં ૭૧પ૦૭ ટેસ્ટ કરાયા

રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીના કેસોનો આંક ૧,૧૪,૯૯૬ : કુલ મૃત્યુઆંક ૩ર૩૦ • ર૪ કલાકમાં ૧રપપ દર્દી સાજા થતાં રાહત : કુલ ૯પર૬પ લોકો થયા કોરોનામુક્ત !

(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર,તા.૧૪

રાજયમાં કોરોના હાહાકાર સર્જી રહ્યો હોય તેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. રોજેરોજના કોરોના પોઝિટિવ કેસોમાં આંક ઉછાળા ભરી રહ્યો છે અને તેમાં પણ રાજયના  પાંચથી સાત જિલ્લામાં કોરોનાના કેસોનો વધારો જારી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયભરમાં કોરોનાના વધુ નવા  ૧૩૩૪ કેસ બહાર આવ્યા છે જેમાં સૌથી વધુ ર૭૮ કેસ સાથે સુરત ટોપ પર રહેલ છે. જયારે કોરોનામાં મૃત્યુના પ્રમાણમાં ફરી વધારો જોવા મળ્યો છે રાજયમાં કોરોનામાં વધુ ૧૭ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં પણ ઉછાળો જળવાઈ રહ્યો છે ર૪  કલાકમાં વધુ ૧રપપ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮ર.૮૪ ટકાએ પહોંચ્યો છે. રાજયમાં ફરી આજે કોરોના ટેસ્ટમાં વધારો કરાતા ૭૧,પ૦૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રોજેરોજ ઉંચે જતા કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ ૧૩૩૪ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧૧૪૯૯૬એ પહોંચી છે. જયારે રાજયમાં વધુ ૧૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩ર૩૦એ પહોંચ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસોની વિગતો મુજબ સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૪૯, સુરત ૧૦ર, જામનગર કોર્પોરેશન ૧૦૧, રાજકોટ કોર્પોરેશન ૯૮, વડોદરા કોર્પોરેશન ૯૦, રાજકોટ પ૩, વડોદરા ૪૧, પાટણ ૩પ, કચ્છ ૩૦, અમરેલી ર૮, બનાસકાંઠા ર૮, પંચમહાલ ર૮, અમદાવાદ ર૬, ભાવનગર કોર્પોરેશન રપ, મોરબી રપ, ગાંધીનગર ર૪, દાહોદ ર૩, જૂનાગઢ ર૧, મહેસાણા ર૦, ભરૂચ ૧૯, જામનગર ૧૯, સુરેન્દ્રનગર ૧૯, જૂનાગઢ કોર્પોરેશન ૧૮, તાપી ૧૮ તેમજ રાજયના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧પ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદી મુજબ અમદાવાદ કોર્પોરેશન ૩, ગાંધીનગર-૩ સુરત-૩, જામનગર કોર્પોરેશન-ર, રાજકોટ-ર, ભરૂચ ૧, ભાવનગર-ર તથા વડોદરા- કોર્પોરેશન-૧ વ્યકિતએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ર૪ કલાકમાં કુલ ૧૭ લોકોનાં મોત નીપજયા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩ર૩૦એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૯પ,ર૬પ નાગરિકો સાજા થઈ ગયા છે. જયારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ ૧૬,પ૦૧ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૩ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૪૦૮ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજયમાં કોરોનાના વધુ ટેસ્ટ જારી રહેતા અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ ટેસ્ટનો આંક ૩૩.૬૦ લાખ થવા પામ્યો છે. તો કોરોનાને લઈ રાજયમાં આજની તારીખે કુલ ૭.૪૬ લાખ લોકોને કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.