અમદાવાદ, તા.૧૮
ગુજરાતમાં કોરોનાના મહાસંકટ વચ્ચે લોકડાઉન-૪ લાગુ થવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૭ર કલાકમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. સોમવારે રાજ્યના ૧૦ સ્થળોએ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪ર.૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો વધી શકે છે. જેને પરિણામે હીટવેવની સ્થિતિ બની શકે છે. આવી સ્થિતિમાં ડ્રી-હાઈડેશન થવાની શક્યતાને જોતા તબીબો અને જાણકારો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે. હીટવેવની સ્થિતિને જોતા બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કેમ કે, હીટવેવની સ્થિતિ વચ્ચે લોકડાઉન-૪મા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે, તે જોતા લોકો બહાર નીકળશે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવું બહું જરૂરી બની રહેશે. વાત કરીએ તાપમાનની તો ૪ર.૩ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો, જ્યારે કંડલામાં ૪૧.૮, ગાંધીનગર અને વડોદરામાં ૪૧.૬, અમદાવાદમાં ૪૧.પ, આણંદમાં ૪૧.ર, ડીસા અને અમરેલીમાં ૪૧.૦, ભાવનગરમાં ૪૦.૭ અને રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦.ર ડિગ્રી નોંધાયું હતું. કોરોનાના કહેર વચ્ચે હીટવેવની આગાહી લોકડાઉનથી ત્રસ્ત પ્રજાજનોને વધારે પરેશાન કરનાર બનશે. આ ગરમીને જોતા લોકો ચોમાસુ ઝડપથી આવે તેવી રાહ પણ જોઈ રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન ?
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૨.૩
કંડલા ૪૧.૮
વડોદરા ૪૧.૬
ગાંધીનગર ૪૧.૬
અમદાવાદ ૪૧.૫
આણંદ ૪૧.૨
ડીસા ૪૧.૦
અમરેલી ૪૧.૦
ભાવનગર ૪૦.૭
રાજકોટ ૪૦.૨