ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યા પણ ઘટી !
કોરોનાની રસીના રસીકરણ માટે રાજ્યમાં તમામ તૈયારીઓ પૂર્ણ : ડે.સીએમ

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧ર
કોરોના મહામારીની સ્થિતિ થોડીક હળવી બની રહી હોય તેમ સરકારી આંકડાઓ પરથી જણાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે આજે રાહત આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં હોસ્પિટલોમાં પ૦ ટકા જેટલા બેડ ખાલી થવા પામેલ છે. વધુમાં તેમણે કોરોના વેક્સિનના વેક્સિનેશન (રસીકરણ) માટે ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો દાવો પણ મહેસાણા નગરપાલિકામાં કર્મચારીઓ અંગેના એક કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. જેથી રાજ્યની હોસ્પિટલોમાં હવે ૫૦ ટકા બેડ ખાલી પડ્યાં છે. રાજ્યમાં હવે ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે લોકો હવે જાતે જ નિયમો પાળી રહ્યાં છે. હાલમાં ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ પણ અમલમાં છે. જેથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. આપણે ચુસ્તપણે નિયમો પાળીને હજી સંક્રમણને નીચું લાવીશું અને કોરોનાના કેસમાં મોટો ઘટાડો થાય તેવા પ્રયત્નો કરીશું. કોરોના કેસો અંગે ડે.સીએમનું આ નિવેદન પ્રજાજનો માટે રાહતરૂપ થાય તેમ છે. ગુજરાતમાં કોરોનાની મહામારી દિવાળીથી ચિંતાજનક રીતે વધી ગયા બાદ હવે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન સૌ કોઈ વેક્સિનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોરોનાની વેક્સિનને લઈને ડ્ઢઅઝ્રસ્ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. મહેસાણાના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, વેક્સિનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ત્યાં જ અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ થશે. જોકે રાહતની વાત એ છે કે, ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટતી જાય છે. ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આરોગ્યક્ષેત્રના ૩.૯૬ લાખ કર્મચારીઓ, તબીબો અને બીજા તબક્કામાં સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મીઓ સહિત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિનેશન એટલે કે, કોરોના રસી આપવા માટે રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં, ૨૪૮ તાલુકાઓમાં તેમજ ૮ મહાનગર પાલિકાઓમાં ટાસ્કફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા વેક્સિન જરૂરી તાપમાનમાં સ્ટોર કરવા માટે ઝોનકક્ષાએ ૬ સ્ટોરેજ, જિલ્લા-કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તેમજ અંતરિયાળ વિસ્તારો સુધી રસી પહોંચાડવા ૨૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટની વ્યવસ્થા કરાઈ છે. આ તમામ સ્ટોર ખાતે જરૂરી સાધનોનું ટેક્નિકલ ઑડિટ પણ પૂર્ણ કરાયું છે.