દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારને કરાઈ રજૂઆત
પરિસ્થિતિ વિકટ બનવાની શક્યતાએ શાળા-કોલેજો મુદ્દે ફેર-વિચારણા કરવી જરૂરી
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૮
અમદાવાદ સહિત રાજ્યમાં દિવાળીના તહેવારોમાં કોરોનાની સ્થિતિ વધુ બગડી હોય તેમ ઉછાળારૂપ કેસો બહાર આવતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબ નિષ્ણાતોએ રાજ્ય સરકારને તા.ર૩ નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવાનું મુલતવી રાખી ડિસેમ્બરમાં શાળા-કોલેજો શરૂ કરવા સૂચન કર્યું છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ તેના પર ફરીથી વિચારણા કરવા તબીબોએ સરકારને જણાવ્યું છે.
એક તરફ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં કેસમાં વધારો થતા પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પુરી શકયતા છે. તેવામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી ૨૩ નવેમ્બરથી ધોરણ ૯થી ૧૨ની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, તેના પર વિચારણા કરવી જરૂરી બની ગઈ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબી નિષ્ણાતોએ ૨૩ નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ ખોલવા સૂચન કર્યું છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લૉકડાઉનન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી માંડીને આજ દિન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પરંતુ થોડા દિવસ પૂર્વે જ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા પર મંથન શરૂ કરાયું હતું અને દિવાળી બાદ ૨૩ નવેમ્બરથી ધોરણ ૯થી ૧૨ ની શાળાઓ શરૂ કરવાના નિષ્કર્ષ પર રાજ્ય સરકાર પહોંચી હતી. આ માટે ૨૩ નવેમ્બરની તારીખ અને સરકારી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ હતી. પણ દિવાળીના તહેવારમાં કોરોનાના વધતા કેસોનો અભ્યાસ કરતા સંક્રમણની ગંભીરતા વધી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો પણ માની રહ્યા છે કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. જાણે કે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ પરિસ્થિતિને જોતા સરકાર ૨૩ નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો તેમા ફેર વિચારણા કરવી જરૂરી છે.
૨૩ નવેમ્બરથી વર્ગો શરૂ કરવાની વાત છે તેની જગ્યાએ હજુ એક અઠવાડિયાની રાહ જોવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે. એટલે કે ૨૩ની જગ્યાએ ડિસેમ્બરમાં શાળા ખોલવામાં આવે તેવું સૂચન તબીબોએ કર્યું છે. એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલનું માનવું છે કે, હાલમાં કેસ વધી રહ્યા છે અને લાભ પાચમ સુધી કેસ વધી શકે છે. જેથી સ્કૂલ ખોલવાની તારીખમાં અઠવાડિયું રાહ જોવી જોઈએ.
બીજી તરફ વાલીઓ પણ માની રહ્યા છે કે કોરોના સંક્રમણને લઈ હાલમાં બાળકોને શાળાએ મોકલવા ખતરા રૂપ બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રી સમયે પણ આ તબીબોએ નવરાત્રી નહિ યોજવાની સરકારને અપીલ કરી હતી. જેને ધ્યાને રાખીને સરકારે નવરાત્રિમાં ગરબા નહિ યોજવાનો નિર્ણય કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયામાં એસોસિએશનના પૂર્વ પ્રમુખે પણ કોરોનાની સ્થિતિ જોતા રાજ્યમાં ર૩મી નવેમ્બરે શાળા-કોલેજો શરૂ કરવી બાળકોના હિતમાં ન હોવાનું જણાવ્યું હતું.
Recent Comments