અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં કોરોના મહામારીને કારણે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે આગામી ર૩મી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી છે. પરંતુ આ મુદ્દે વાલીઓ પાસેથી સંમતિ લેવા પત્ર બહાર પડ્યો હોઈ આ લેટર વાયરલ થયો છે. આ સંમતિ લેટરમાં જણાવ્યા મુજબ બાળક સંક્રમિત થાય તો તેની જવાબદારી સરકાર અને સંચાલકોની નહીં પણ વાલીઓની રહેશે. આ મામલે વાલીઓમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતાં સ્કૂલો શરૂ ન કરવા ફરી માંગ ઉઠી રહી છે. વાલીઓ પણ આ મામલે યોગ્ય ઉકેલ ન આવે તો બાળકોને શાળાએ મોકલવા રાજી નથી. રાજ્ય સરકારે દિવાળીના વેકેશન બાદ હવે રાજ્ય સરકારે આગામી ર૩ નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાની મંજૂરી આપી છે અને તેને લઈને હજુ વિવાદ ચાલી રહ્યો છે. સરકાર અને સંચાલકો શાળા કોલેજ શરૂ કરવા માંગે છે પરંતુ હાલની સ્થિતિને લઈને વાલીઓ ચિંતિત છે અને પોતાના બાળકોને શાળાએ મોકલવા રાજી નથી તાજેતરમાં આ સંદર્ભે એક વાલીઓ માટે સંમતિ પત્ર વાયરલ થતાં જ વાલીઓની ચિંતામાં ઓર વધારો થયો છે અને વાલીઓનું કહેવું છે કે, સરકાર અને સંચાલકોએ બન્નેએ હાથ ખંખેરીને તમામ જવાબદારીઓ વાલીઓના માથે નાખી છે તે વ્યાજબી નથી. આજે સવારથી સોશિયલ મીડિયામાં એક વાલી સંમતિ પત્ર વાયરલ થતાં ચકચાર જાગી છે. આ પત્રમાં જણાવ્યું છે કે, શાળા કોલેજમાં પોતાના બાળકોને મોકલે છે તે વાલીઓ પોતાની જવાબદારીથી મોકલે છે સરકાર કે શાળા સંચાલકો જવાબદાર નથી આ પ્રકારનો પત્ર વાયરલ થતા જ વાલીઓની ચિંતામાં વધારો થયો છે. જો કે શાળા સંચાલકોનું કહેવું છે કે, આમ તો વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની જવાબદારી અમારી પણ છે. પરંતુ કેટલાક વાલીઓ એવા હોય છે કે, વગર કારણે શાળા સંચાલકોને પરેશાન કરતા હોય છે, માટે આ સરકારની સંમતિ લેવાનું નક્કી કરાયું છે. વાલીઓનું કહેવું છે કે, સ્કૂલ શરૂ થશે તો વિદ્યાર્થીઓની શું હાલત થશે ? પેરેન્ટસ એસોસિએશન અને ડોક્ટરોએ આ અંગે પોત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. પ દિવસમાં આ સ્થિતિ છે તો સ્કૂલ શરૂ થશે ત્યારે શું પરિસ્થિતિ થશે ? વધુ એક મહિનો સ્કૂલ બંધ રાખવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.