(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૫
કોરોના વાયરસના વિશ્વભરમાં હાહાકારને પગલે ઊભો થયેલ ભય કેટલેક અંશે હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશને પગલે રાજ્યભરમાં લોકડાઉન વચ્ચે લોકો ઘરે પૂરાઈને રહેવા લાગ્યા છે. ત્યારે આજે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ વધુ ચાર કેસો નોંધાતા કુલ ૩૯ કેસ થવા પામ્યા છે. જેમાં એક દર્દીનું મરણ થયેલ છે. જ્યારે રાજ્યમાં સંભવિત કોરોનાગ્રસ્ત વિસ્તારોના હાથ ધરાયેલ સર્વેમાં કુલ ૧.૦૭ કરોડ નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરી લેવાયાનું આરોગ્ય તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે. રાજ્યમાં ર૦ હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઈન હેઠળ મૂકવામાં આવેલ છે અને ક્વોરન્ટાઈનના ઈનકાર તથા ભંગ બદલ ૧૪૭ સામે એફઆઈઆર નોંધાઈ છે. કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે સર્વેલન્સ અને ટ્રેકિંગને વધુ સઘન બનાવ્યું છે. આજ સુધીમાં રાજ્યમાં ૧,૦૭,૬ર,૦૧ર નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ કરાયું હોવાનું આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે. આજે રાજ્યમાં વધુ ચાર નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જે ત્રણ કેસ નોંધાયા છે. તેમાં એક અમદાવાદમાં જે દુબઈથી મુસાફરી કરીને આવેલ છે તેમજ એક-એક કેસ વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયા છે. ચોથો કેસ રાજકોટમાં નોંધાયો છે. જેમાં ૭પ વર્ષની પોઝિટિવ વૃધ્ધાના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજદિન સુધી અમદાવાદમાં સૌથી વધુ ૧૪, સુરતમાં ૭, રાજકોટમાં ૩, વડોદરામાં ૭, ગાંધીનગરમાં ૬ અને કચ્છમાં ૧ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ ડૉર ટુ ડૉર સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવાઈ છે. સર્વેલન્સ દરમિયાન પ૦ વ્યક્તિઓમાં રોગની અસર જણાતા વધુ તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં ૨૦,૬૮૮ નાગરિકો ૧૪ દિવસના ક્વોરન્ટાઈન હેઠળ છે. જેમાં ૪૩૦ વ્યક્તિઓ સરકારી હોસ્પિટલોમાં ર૦,૨૨૦ હોમ ક્વોરન્ટાઈન અને ૩૮ ખાનગી ક્વોરન્ટાઈન હેઠળ છે જે લોકોએ ક્વોરન્ટાઈનનો ભંગ કર્યો છે. તેવી ૧૪૭ વ્યક્તિઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. રાજ્યમાં ૧૦૪ હેલ્પલાઈન પણ કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં ૧પ હજારથી વધુ કોલ આવ્યા છે. જેમને માર્ગદર્શન પણ પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. જે પૈકી રપ૮ વ્યક્તિઓને સારવાર પૂરી પડાઈ છે. આ અંગેની વિગતો આપતા આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે આ રાજ્યના ૪ મહાનગરોમાં કોરોના વાયરસવાળા દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. જેમાં અમદાવાદમાં ૧ર૦૦ બેડ, સુરતમાં પ૦૦ બેડ, વડોદરા અને રાજકોટમાં રપ૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે રાજ્યમાં ૧૫૮૩ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં અને ૬૩૫ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને વધુ બેડ ઊભા કરવાની વ્યવસ્થા સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ગંભીર દર્દીઓને સારવાર માટે તમામ વિભાગોમાં થઈને સરકારી હોસ્પિટલ ખાતે ૬૦૯ વેન્ટિલેટર અને ખાનગી સંસ્થાઓમાં અંદાજે ૧પ૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોરોના અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના વાયરસ રોગનો ફેલાવો અટકે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે. ત્યારે નાગરિકો પણ તેની ખાસ તકેદારી રાખે એ માટે સરકાર દ્વારા અપીલ પણ કરાઈ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.