અમદાવાદ, તા.૨૩
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના આ મહાસંકટ વચ્ચે આ વખતે ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા એકાદ સપ્તાહથી અંગ દઝાડતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. જેને પરિણામે લોકો ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્યા છે. શનિવારના રોજ મહત્ત્મ તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે અન્ય દસ સ્થળોએ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીથી વધુ જોવા મળ્યોે હતો.
કાળઝાળ ગરમીને લીધે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, લોકડાઉનના કારણે ઘરમાં પુરાઈ રહેનાર લોકો છૂટછાટ મળતા બહાર દેખાયા હતા. જો કે, ગરમીને કારણે લોકડાઉનની સ્થિતિ હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. વાત કરીએ તાપમાનની તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૩, અમદાવાદ ૪૩.૨, કંડલામાં ૪૩.૨, ડીસા ૪૩, આણંદમાં ૪૨.૫, રાજકોટમાં ૪૨.૩, વડોદરામાં ૪૨.૨, ગાંધીનગરમાં ૪૨, સુરતમાં ૪૧.૮ અને ભાવનગરમાં મહત્ત્મ તાપમાન ૪૧.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમીમોંથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવને જોતા ‘લૂ’ લાગવાની શક્યતા વધુ છે. ત્યારે તબીબો અને જાણકારો ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ આપે છે. જ્યારે લીંબુ શરબત, વરિયાળીનું શરબત તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે. લોકડાઉનમાં લોકો ભારે અકળાઈ ઉઠ્‌યા છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીમાં પણ કોઈ ખાસ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૩.૩
અમદાવાદ ૪૩.૨
કંડલા ૪૩.૨
ડીસા ૪૩.૦
આણંદ ૪૨.૫ રાજકોટ ૪૨.૩
વડોદરા ૪૨.૨
ગાંધીનગર ૪૨.૦
સુરત ૪૧.૮
ભાવનગર ૪૧.૭