અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં કોરોનાનો કહેર જાણે ઘટવાનું નામ લેતો ન હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી સરેરાશ રોજના એક હજાર નવા કેસ નોંધાય છે. ત્યારે સરકારી તંત્ર કોરોનાને કાબૂમાં લેવા અસરકારક કામગીરી કરી ટેસ્ટિંગમાં વધારો કર્યો હોવાનો દાવો કરે છે. પરંતુ રાજ્યમાં વસ્તી પ્રમાણે કોરોનાના ટેસ્ટિંગ ઉપર નજર કરીએ તો હકીકત ખબર પડે છે.
રાજ્યમાં ૬ કરોડની વસ્તી સામે ૬ મહિનામાં માત્ર ૧૩.૫૮ લાખ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે રાજ્યની વસ્તીની તુલનામાં માત્ર ૨.૨ ટકા જ છે. એટલે ગતિશીલ ગુજરાતમાં વસ્તી પ્રમાણે કોરોનાનું ટેસ્ટિંગ કાચબાની ગતિમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ગુજરાત સહિતના કેટલાક રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે ટકોર કરી હતી. વડાપ્રધાનની ટકોર બાદ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગમાં ૫૦ હજાર કે તેથી વધુ કરવામાં આવી રહ્યા છે. ૧૭ ઓગસ્ટની સાંજે જાહેર કરવામાં આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩,૫૮,૩૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની ૨૦૧૧ના વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ૬ કરોડની વસ્તીની સરખામણીએ રાજ્યમાં થયેલા ટેસ્ટ જોઈએ તો કુલ વસ્તીની તુલનાએ માત્ર ૨.૨ ટકા જ ટેસ્ટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે તેમાં પણ ઉત્તર ગુજરાતમાં ત્યાંની કુલ વસ્તી પ્રમાણે ૧.૧ અને કચ્છમાં એ જ પ્રમાણે ૧ ટકા ટેસ્ટિંગ કરાયું છે. જે દર્શાવે છે કે, રાજ્યમાં હજી પણ આક્રમકતા સાથે ટેસ્ટિંગ વધારવાની જરૂર છેે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, દાહોદ, છોટાઉદેપુર એમ કુલ ૮ જિલ્લાની ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૨,૦૧,૩૫,૧૭૪ વસ્તી છે જેની સામે ૧૭ ઓગસ્ટ સુધીમાં ૬,૬૧,૮૨૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો ૩.૨ ટકા ટેસ્ટ મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩૯,૭૦૫ કેસ થયા છે જ્યારે ૧૮૩૦ મૃત્યુ થયા છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી એમ કુલ ૬ જિલ્લાની ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧,૦૩,૨૫,૧૯૩ વસ્તી છે જેની સામે ૧૭ ઓગસ્ટ સુધીમાં ૧,૧૪,૦૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો ૧.૧ ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૫૯૧૩ કેસ નોંધાયા છે અને ૧૫૯ મૃત્યુ થયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલી એમ કુલ ૧૧ જિલ્લાની ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧,૫૫,૯૩,૬૫૩ વસ્તી છે જેની સામે ૧૭ ઓગસ્ટ સુધીમાં ૨,૫૯,૫૮૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો ૧.૬ ટકા કોરોનાના ટેસ્ટ સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧૨,૩૮૭ કેસ નોંધાઈ ચૂક્યા છે અને ૨૦૧ દર્દીનાં મૃત્યુ થયા છે જેમાં સૌથી વધુ કેસ રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં નોંધાયા છે.