(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
કોરોના મહામારીના રાજ્યમાં વધી રહેલા વ્યાપ વચ્ચે છેલ્લા સપ્તાહથી સેમ્પલ ટેસ્ટીંગનું પ્રમાણ વધતાં રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેમાં પણ છેલ્લા સપ્તાહ કરતાં વધુ સમયથી રાજ્યમાં એકલા લોકલ ટ્રાન્સમિશન ચેપના જ પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા હોઈ સંક્રમણનું પ્રમાણ વધે નહીં તે માટે તંત્ર દ્વારા લોકડાઉનના કડક અમલ માટે સઘન પગલાં લેવાઈ રહ્યા છે. રાજ્યમાં ગત ગુરૂ-શુક્રવાર અને શનિવારના ભારે ઉછાળા બાદ કોરોનાના કેસોનું પ્રમાણ ઘટવા માંડયું છે. ગતરોજ રાજ્યમાં પ૬ કેસ બહાર આવ્યા હતા તો આજે તેમાં ફરી થોડો વધારો થતાં ૭૮ પોઝિટિવ કેસ નવા બહાર આવ્યા છે. આ સાથે કુલ કોરોનાના કેસોનો રાજ્યનો આંક ૬પ૦ થવા પામ્યો છે જ્યારે રાજ્યમાં કોરોનાને લીધે વધુ બે મોત થવા પામ્યા છે જેથી કોરોનાનો મૃત્યુઆંક ર૮ થયો છે. જેમાં આજે પણ હોટ સ્પોટ અમદાવાદમાં નવા પ૩ કેસ બહાર આવ્યા છે તો કોરોનામાંથી સાજા થઈને નવા પાંચ દર્દીઓને ઘરે જવામાં સફળતા મળી છે.
રાજ્યમાં લોકડાઉનના કડક અમલ વચ્ચે પણ કોરોના પોઝિટિવ કેસો યથાવત રીતે બહાર આવી રહ્યા છે. જેમાં લોકલ ટ્રાન્સમિશન ચેપના જ કેસો બહાર આવી રહ્યા હોઈ સરકારની લડત વામણી પૂરવાર થઈ રહી હોય તેમ જણાય છે. રાજ્યમાં નવા કેસો સતત વધવાને પગલે કોરોનાના કુલ કેસોનું મીટર ઝડપથી ફરી રહ્યું છે. જેને લઈને રાજ્યભરમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૬પ૦ ઉપર પહોંચી જવા પામ્યો છે. રાજ્યમાં આજે નોંધાયેલા નવા ૭૮ કેસોમાં એકલા અમદાવાદના પ૩ કેસ તથા તે પછી સુરતના ૯, વડોદરાના ૬ કેસો મુખ્ય છે. અમદાવાદમાં કુલ કેસોનો આંક હવે વધીને ૩૭૩ ઉપર પહોંચ્યો છે અને બીજા ક્રમે વડોદરામાં ૧૧૩ તથા સુરતમાં ૪ર કેસ થવા પામ્યા છે.
જ્યારે રાજ્યમાં આજે કોરોનાને લીધે વધુ બે વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે. જેમાં વડોદરામાં ગત રોજ બાદ આજે વધુ એક પ૮ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. વડોદરામાં આ સાથે કુલ ૪નાં મોત થયેલ છે. આ ઉપરાંત ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ પ૦ વર્ષીય પુરૂષનું પણ આજે મૃત્યુ થયેલ છે. તેમને અગાઉથી ડાયાબિટીસની બીમારી હોવાનું હોસ્પિટલ વર્તુળો દ્વારા જણાવાયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાને લીધે મૃત્યુનો કુલ આંક ર૮ ઉપર પહોંચ્યો છે. બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના કેસો પણ સતત બહાર આવી રહ્યા છે. રાજ્યમાં આજે વધુ પાંચ વ્યક્તિઓ સારવાર દરમિયાન કોરોનામુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાંથી બે દર્દીઓ જેમાં પ્રથમ ર૦ વર્ષીય યુવાનને એસવીપી હોસ્પિટલમાંથી તેમજ અન્ય ર૮ વર્ષીય યુવતીને પણ સાજા થતાં રજા આપવામાં આવી છે. એ જ રીતે ભાવનગરમાં પણ બે દર્દીઓ ર૯ વર્ષીય યુવતી અને ૧પ વર્ષના કિશોરને કોરોનામુક્ત થતાં સર.ટી.હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. પાંચમો દર્દી સુરતનો છે. ર૮ વર્ષીય યુવાનને સ્પીમેર હોસ્પિટલમાંથી સાજા થતાં રજા અપાઈ છે. આ નવા પાંચ દર્દી કોરોનામુક્ત થતાં રાજ્યમાં તેનો કુલ આંક પ૯ થયો છે.
રાજ્યના કુલ ૬પ૦ કોરોના પોઝિટિવ પૈકી ૮ જણા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલ છે જ્યારે અન્ય પપપ દર્દીઓની સ્થિતિ સ્થિર દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય સચિવ ડૉ.જયંતી રવિએ આપેલી વિગતો મુજબ રાજ્યમાં સેમ્પલ ટેસ્ટનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૭૩૩ સેમ્પલ ટેસ્ટ હાથ ધરાયા હતા જેમાં ૭૮ પોઝિટિવ અને ૧૬પપ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧પ૯૮૪ સેમ્પલ ટેસ્ટ હાથ ધરાયા તેમાંથી ૬પ૦ પોઝિટિવ અને ૧પ૩૩૪ નેગેટિવ આવેલ છે. જો કે, તેઓ દ્વારા આજે એક પણ રિપોર્ટ પેન્ડીંગ ન હોવાનું દર્શાવાયું છે. રાજ્યમાં કુલ ૧રર૦૮ હોમ ક્વોરન્ટાઈનમાં, ૧૩૭૪ સરકારી ફેસેલિટી ખાતે તથા ૧૬૯ ખાનગી ફેસેલિટી ખાતે મળી કુલ ૧૩૭પ૧ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

કોરોનાના ક્યાં-કેટલા કેસ ?

શહેર કેસ
અમદાવાદ ૩૭૩
વડોદરા ૧૧૩
સુરત ૪૨
ભાવનગર ૨૬
રાજકોટ ૧૮
ગાંધીનગર ૧૬
પાટણ ૧૪
ભરૂચ ૧૧
આણંદ ૧૦
છોટાઉદેપુર ૦૫
કચ્છ ૦૪
મહેસાણા ૦૪
પોરબંદર ૦૩
ગીરસોમનાથ ૦૨
પંચમહાલ ૦૨
દાહોદ ૦૨
બનાસકાંઠા ૦૨
જામનગર ૦૧
મોરબી ૦૧
સાબરકાંઠા ૦૧
કુલ ૬૫૦