રાજ્યમાં ૨૪ કલાકમાં નવા ૧૩૪૯ દર્દીઓ નોેંધાયા જ્યારે ૧૪૪૪ દર્દીઓ સાજા થયા• રાજ્યમાં કુલ ૧૭ મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૨૪૭; કુલ કેસ ૧,૧૬,૩૪૫ હાલ હોસ્પિટલોમાં ૧૬,૩૮૯ દર્દી સારવારમાં

 

(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.૧૫

ગુજરાતમાં કોરોનાના કેસોની સતત વધતી જતી સંખ્યાને જોતા નજીકના ભવિષ્યમાં આ રોગ સંપૂર્ણ કાબૂમાં આવે તેમ જણાતું નથી. આથી લોકોએ કોરોના કે સાથ હી જીના હૈ સૂત્રને અપનાવી તકેદારી એ જ શ્રેષ્ઠ ઈલાજ અપનાવવો પડશે. આજરોજ સુરત શહેરમાં ૧૭૩, અમદાવાદમાં ૧૫૨, સુરત જિલ્લામાં ૧૦૪ મળી રાજ્યમાં કુલ ૧૩૪૯ કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં ૪-૪ મોત નોંધાયા હતા.

રાજ્યમાં આજદીન સુધી ૧,૧૬,૩૪૫ કેસ નોંધાયા હતા તેની સામે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૪૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ૯૬,૭૦૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. અત્યાર સુધી ૩૨૪૭ દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે. હાલની સ્થિતિએ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં ૧૬,૨૯૩ દર્દીઓ સ્ટેબલ હાલતમાં અને ૯૬ દર્દીઓ વેન્ટીલેટર પર મળી કુલ ૧૬,૩૮૯ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

રાજ્યના આરોગ્ય વિભાગના દાવા મુજબ કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સઘન પ્રયાસોના કારણે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ ૭૮,૧૮૨ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ આજદીન સુધી ૩૪,૩૮,૫૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે પૈકી ૧,૧૬,૩૪૫ દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા તે પૈકી ૯૬,૭૦૯ દર્દીઓ સાજા થઈ ગયા છે. આમ સાજા થવાનો દર ૮૩.૧૨ ટકા થયો છે. આમ અત્યાર સુધી ૮૩ ટકાથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

આજે રાજ્યમાં કોરોનાના નવા ૧૩૪૯ કેસો નોંધાયા હતા. જેમાં કોરોનાનું હોટસ્પોટ બનેલા સુરત શહેરમાં ૧૭૩ કેસ નોંધાયા હતા જ્યારે સામે ૧૮૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી. જ્યારે અમદાવાદ શહેરની પરિસ્થિતિ થોડી સુધરી છે. આજે નોંધાયેલા ૧૫૨ દર્દીઓ સામે ૧૯૯ દર્દીઓ સાજા થયા હતા જ્યારે સુરત જિલ્લામાં ૧૦૪ કેસ નોંધાયા હતા ૭૭ સાજા થયા હતા, જામનગર શહેરમાં ૧૦૨ કેસ નોંધાયા હતા અને ૧૦૦ સાજા થયા હતા જ્યારે રાજકોટ શહેરમાં ૯૪ કેસ નોંધાયા હતા જ્યારે સામે રેકર્ડબ્રેક ૨૨૬ સાજા થયા હતા અને વડોદરા શહેરમાં ૮૯ કેસ અને ૧૦૨ સાજા થયા હતા. કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અન્ય શહેરની વાત કરીએ તો આજે મહેસાણા ૪૯, રાજકોટ ૪૭, પાટણ ૪૫, વડોદરા ૪૦, અમરેલી ૩૦, પંચમહાલ ૨૯, મોરબી ૨૮, ભાવનગર કોર્પોરેશન ૨૫, ગાંધીનગર ૨૫, બનાસકાંઠા ૨૪, જામનગર ૨૧, અમદાવાદ ૨૦, કચ્છ ૧૯, મહીસાગર ૧૯, ગાંધીનગર કોર્પોરેશન ૧૮, જૂનાગઢ ૧૮, સુરેન્દ્રનગર ૧૮, દાહોદ ૧૭, જૂનાગઢ કોર્પોરેશન ૧૭, ભરૂચ ૧૬, ગીર સોમનાથ ૧૪, ભાવનગર ૧૩, બોટાદ ૧૨, ખેડા ૧૦, સાબરકાંઠા ૧૦, નર્મદા ૯, નવસારી ૯, વલસાડ ૭, આણંદ ૬, પોરબંદર ૫, છોટાઉદેપુર ૪, દેવભૂમિ દ્વારકા ૪, તાપી ૪, ડાંગ ૨, અરવલ્લી ૧ કેસો મળી કુલ ૧૩૪૯ કેસો મળ્યા છે આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યાં મુજબ વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૪, સુરત ૪, જામનગર શહેરમાં ૨, ગાંધીનગર ૧, જામનગર ૧, મહીસાગર ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત કોર્પોરેશન ૧, વડોદરા ૧, વડોદરા શહેરમાં ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૭ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૨૪૭એ પહોંચ્યો છે.