(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧પ
ગુજરાતમાં કોરોના કહેર વરસાવી રહ્યો હોય તેવા કેસો રોજે-રોજે બહાર આવી રહ્યા છે. બે-ચાર જિલ્લાને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં અનલોકની છૂટછાટના સમયગાળામાં વકરી રહેલો કોરોના હવે ૯૦૦થી વધુ રોજે-રોજ નવા રેકોર્ડરૂપ કેસો સાથે ભય ઊભો કરી રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા ર૪ કલાકમાં નવા વિક્રમ સર્જતા ઉછાળારૂપ ૯રપ કેસ બહાર આવ્યા છે. જેમાં પણ નવા ઉછાળારૂપ ર૩૬ કેસો સાથે નવા હોટસ્પોટ સુરત નં.૧ પર છે. તો અમદાવાદમાં કેસોમાં ઘટાડો જારી રહેતા ૧૭૩ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના મૃત્યુદરમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં વધુ ૧૦ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેટી છે. જ્યારે કોરનાના વધતા કેસો સામે કોરોનામાંથી સાજા થનારામાં પણ ભારે ઉછાળો નોંધાતા આજે ૭૯૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે.
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો તેની સામે સરકાર તરફથી બધુ સારું સારું હોવાની સ્પષ્ટતા કરાઈ રહી છે. રાજ્યભરમાં રોજે-રોજ નવા રેકર્ડ સર્જતા કોરોના કેસોનો સિલસિલો આજે પણ જારી રહેતા નવા વિક્રમજનક ૯રપ કેસો બહાર આવેલ છે. જેમાં નં.૧ સુરત શહેરમાં ૧૭૩ અને ગ્રામ્યમાં ૬૩ મળી કુલ ર૩૬ નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં ઘટાડા સાથે કુલ ૧૭૩ કેસ બહાર આવ્યા છે. જેમાં શહેરમાં ૧પ૯ અને ગ્રામ્યમાં ૧૪ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં ૭૭ કેસ અને તે પછી ભાવનગરમાં ૬૧ કેસ, રાજકોટમાં પ૪, જૂનાગઢ ૪૩, સુરેન્દ્રનગર ૩ર, ગાંધીનગર ૩૦, ખેડા ર૪, મહેસાણા ૧૭, ભરૂચ-કચ્છ-મોરબી-અમરેલીમાં ૧૪-૧૪ કેસ ંતેમજ રાજ્યના અન્ય પંદરેક જિલ્લામાં ૧થી ૧૩ કેસ નોંધાવવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યારસુધીના કોરોનાના કુલ કેસોનો આંક ૪૪ હજારને પાર થઈ જવા પામેલ છે. કુલ ૪૪,૬૮૮ કેસ થયા છે. જ્યારે કોરોના હબ એવા અમદાવાદમાં કોરોનાનો કુલ આંક ર૩,પ૯૯ અને બીજા નંબરના હોટસ્પોટ સુરતમાં કુલ ૮૬૪૩ કેસ થવા પામેલ છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો કોરોનાને લીધે મૃત્યુના મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૦ વ્યક્તિઓના મરણ થયેલ છે. જેમાં સૌથી સુરત શહેર-જિલ્લામાં પાંચ વ્યક્તિના મોત થયેલ છે. તો અમદાવાદમાં બેનાં મોત થયા છે. જ્યારે ભાવનગર, નવસારી અને ગાંધીનગર જિલ્લામાં ૧-૧ વ્યક્તિના મૃત્યુ નિપજેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યારસુધીમાં કોરોનામાં કુલ ર૦૮૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો અમદાવાદમાં ૧પર૮ લોકો મોતને ભેટ્યા છે અને સુરતમાં કુલ મૃત્યુઆંક ર૩પ થવા પામેલ છે.
રાજ્યમાં કોરોનાના ચિંતાજનક વધારે કેસો સામે કોરોનામાંથી સાજા થનારાઓમાં પણ હવે ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ નવા ૭૯૧ દર્દીઓ કોરોનામાંથી સારવાર દરમિયાન સાજા થઈને ઘરે ગયેલ છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં રર૩ દર્દી સાજા થયા છે. તો અમદાવાદમાં ર૧ર દર્દી અને વડોદરામાં ૧૩૮ દર્દી સાજા થયેલ છે જ્યારે જૂનાગઢમાં ૪પ, ભરૂચમાં રપ, પાટણ-આણંદમાં ૧ર-૧ર દર્દી, ખેડામાં ૧૩ દર્દી તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં ૧થી ૧૧ જેટલા દર્દી સાજા થયેલ છે. આ સાથે રાજ્યભરમાં કુલ ૩૧,૩૪૬ લોકો કોરનામુક્ત થવામાં સફળ રહેલ છે.
રાજ્યમાં હાલમાં કુલ ૧૧,૨૨૧ કોરોનાના એક્ટિવ કેસ પૈકી ૬૮ દર્દી વેન્ટીલેટર પર છે અને બાકીના ૧૧,૧પ૩ની સ્થિતિ સ્થિર દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૪.૮૭ લાખ કોરોના ટેસ્ટ કરાયા છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ

જિલ્લા/કોર્પોરેશન કેસ
સુરત કોર્પોરેશન ૧૭૩
અમદાવાદ કોર્પોરેશન ૧૫૯
સુરત ૬૩
વડોદરા કોર્પોરેશન ૬૧
રાજકોટ કોર્પોરેશન ૩૯
ભાવનગર કોર્પોરેશન ૩૩
સુરેન્દ્રનગર ૩૨
ભાવનગર ૨૮
ખેડા ૨૪
જૂનાગઢ કોર્પોરેશન ૨૪
ગાંધીનગર ૨૨
જૂનાગઢ ૧૯
મહેસાણા ૧૭
વડોદરા ૧૬
રાજકોટ ૧૫
અમદાવાદ ૧૪
અમરેલી ૧૪
કચ્છ ૧૪
ભરૂચ ૧૪
મોરબી ૧૪
જિલ્લા/કોર્પોરેશન કેસ
દાહોદ ૧૨
બનાસકાંઠા ૧૧
ગીર-સોમનાથ ૧૦
વલસાડ ૧૦
જામનગર કોર્પોરેશન ૦૯
પાટણ ૦૯
મહિસાગર ૦૯
સાબરકાંઠા ૦૯
આણંદ ૦૮
ગાંધીનગર કોર્પોરેશન ૦૮
નવસારી ૦૮
નર્મદા ૦૬
પંચમહાલ ૦૬
અરવલ્લી ૦૪
જામનગર ૦૪
બોટાદ ૦૪
તાપી ૦૩
અન્ય રાજ્ય ૦૦
પોરબંદર ૦૦
કુલ ૯૨૫