(સંવાદદાતા દ્વાર)
ગાંધીનગર, તા.ર૭
કોરોના વાયરસના ભયને લઈ સમગ્ર રાજ્યમાં લોકડાઉન સહિતના જારી કરાયેલા આદેશો વચ્ચે સરકારી તંત્ર બરોબરનું કામે લાગ્યું છે અને બીજી તરફ ભયભીત લોકો સંક્રમિત થવાથી બચવાના પ્રયાસો કરી રહેલ છે. ત્યારે આજે દિવસ દરમ્યાન રાજ્યમાં કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટિવ ન નોંધાતા રાહતનો દમ લેવાની પળો વધુ સમય ટકી ન હતી કેમ કે, સાંજે રાજકોટમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા. બે પુરૂષ અને મહિલા એમ ત્રણ દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવતા રાજકોટમાં આઠ કેસ સાથે રાજ્યમાં કુલ ૪૭ કેસ થવા પામેલ છે જેમાં ત્રણનાં મૃત્યુ થયેલ છે.
આ સાથે રાજ્યમાં ૩.૯૮ કરોડ લોકોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનો ધીમે-ધીમે લોકલ ટ્રાન્સમીશનમાં વધારો થઈ રહ્યો હતો તેમ કુલ કેસોમાંથી ૧૬ કેસ સ્થાનિક સંક્રમિત થવાના બનવા પામતાં ચિંતામાં વધારો થવા પામ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસ વધુ ના ફેલાય અને તેને નિયંત્રણમાં રાખી શકાય તે માટે સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવતાં રાજ્યભરમાં લોકો પોતાના ઘરોમાં કેદ બન્યા છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસ ધીમે-ધીમે તેનો વ્યાપ વધારી રહેલ છે. ગતરોજ વધુ એક જિલ્લા ભાવનગરમાં એન્ટ્રી કરી હતી અને ત્યાંના પ્રથમ પોઝિટિવ દર્દીનું મૃત્યુ પણ થઈ જવા પામ્યું હતું.
ત્યારબાદ આજે દિવસભરમાં રાજ્યમાં એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા સરકારે રાહતનો દમ લીધો હતો. જો કે, સરકારને આ રાહત વધુ ના ફળતા સાંજે રાજકોટમાંથી અહેવાલો આવતાં તેમાં વધુ ત્રણ કેસ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. રાજકોટમાં ૧૧ સેમ્પલ પરિક્ષણ માટે આજે હાથ ધરાયા હતા. જેમાંથી આઠ નેગેટિવ આવ્યા અને ત્રણ કેસ પોઝિટિવ આવતાં રાજકોટમાં કુલ પોઝિટિવ કેસ આઠ થવા પામેલ છે. આ સાથે રાજ્યમાં રાજકોટ અને સુરતમાં ૮-૮ કેસ થયા છે, જ્યારે અમદાવાદમાં સૌથી વધુ ૧પ કેસ નોંધાયેલ છે. રાજકોટમાં ૩૭ વર્ષનો યુવાન વિદેશથી આવેલ હતો તે અને તેના સંપર્કમાં આવેલ બે દર્દીઓને પણ કોરોના પોઝિટિવ આવેલ છે જેમાં બે જણા તો પતિ-પત્ની છે ત્રણે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં આ સાથે લોકલ ટ્રાન્સમીશનના કેસો વધી રહ્યા છે એટલે કે, વિદેશથી આવેલા કેસોમાંથી હવે સ્થાનિક સંપર્કમાં સંક્રમિત થવાના કેસો ટ્રાન્સફર થઈ રહ્યા છે અને તેનો આંક વધી રહ્યો છે. આ સ્થિતિ ચિંતાજનક ગણાવી હોય સરકારી તંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવાનું શરૂ કરાયું છે. બીજી તરફ સરકાર દ્વારા રાજ્યમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજ સુધીમાં ૩.૯૮ કરોડ લોકોનો સર્વે કરવામાં આવેલ છે. સર્વેમાંથી મળતી વિગતો અનુસાર જરૂર મુજબ ક્વોરન્ટાઈન કરવા ઉપરાંત મેડિકલ તપાસ વગેરેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસની તપાસ માટે વધુ સેન્ટર મંજૂર થતાં હવે રાજકોટમાં પણ લેબ પરિક્ષણ થઈ શકશે. આ અંગે આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બપોર સુધીમાં કોરોનાના ૪૪ પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં ૧૫, સુરતમાં ૭, રાજકોટમાં ૫, વડોદરામાં ૮, ગાંધીનગરમાં ૭ અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ૪૪ પોઝિટિવ દર્દીઓ પૈકીના ૩૬ દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય ૧૮ દર્દીઓ પૈકીના ૧૬ દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે ક્વૉરેન્ટાઈન વ્યક્તિઓને ૧૪ દિવસના ક્વૉરેન્ટાઈન માં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વૉરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં ૨૦,૧૦૩ લોકોને ૧૪ દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના ૫૭૫ લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને ૧૯,૩૭૭ લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરે છે એવા ૨૩૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.