(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૮
રાજ્યમાં કોરોનાનો કહેર અત્યંત ખતરનાક તબક્કામાં પહોંચી રહ્યો છે. ત્યારે હજીપણ કેટલાક લોકો આ બાબતને જરાપણ ગંભીરતાથી લેતા ન હોવાથી પોલીસ હવે વધુ કડક વલણ અપનાવે તેવી શક્યતા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસ કરતા પણ ખતરનાક ‘નવરીના વાયરસ’ અને ‘વોટ્‌સએપિયા વાયરસ’ સાબિત થઈ રહ્યા છે. જે સમાજને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. કોરોના વાયરસ કેટલો ખતરનાક છે અને તેની લપેટમાં આવેલી વ્યક્તિની હાલત કેવી હોય છે એ આ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈને કહેવાની જરૂર નથી તેમ છતાં કેટલાક સમાજના દુશ્મનો આવા ગંભીર માહોલમાં પણ કામ વિના રસ્તાઓ પર લટાર મારવા નિકળી પડી લોકોનું અને પોતાના પરિવારનું અહિત કરી રહ્યા છે. હાલ ગુજરાતમાં ઈક્યુબેશન પીરિયડ્‌સ ચાલુ થઈ ગયો છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. આથી હવે પાંચ એપ્રિલ સુધી દરેકે દરેક વ્યક્તિએ પોતાની જાતને ઘરમાં કેદ કર્યા સિવાય છૂટકો નથી તેમ છતાં કેટલાક બારમાસી નવરા લોકો કે જેઓ પરિવાર સાથે બેસવા ટેવાયેલા નથી, તેવા લોકો હાલ આવા કટોકટીના સમયે પરિવાર સાથે સમય વિતાવવાને બદલે દિવસભર અને મોડીરાત્રિ સુધી રસ્તાઓ પર આટાંફેરા મારી રહ્યા છે જેઓ જીવતા બોમ્બ સમાન સાબિત થઈ શકે છે. બીજા સમાજના દુશ્મનો છે. ‘વોટ્‌સએપિયા’ વાયરસ આવા લોકો આમેય બારેમાસ ફોન પર વાયરસની જેમ ચોંટેલા હોય છે અને હવે આ નવરાસના સમયે તો મોબાઈલની અંદર ઘૂસી અંદરથી જાતજાતના કચરા (નકામા મેસેજો, ફોટા, વીડિયો) અન્ય ગ્રુપમાં ઠાલવી સમાજમાં ભય, ડર અને નફરત ફેલાવી રહ્યા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામમાં એટલે કે લોકોને જાગૃત કરવા, લોકોમાં સારા કામની પ્રેરણા આપવા, સારા સંદેશા પહોંચાડવા, સાચી અને સાચી માહિતી પહોંચાડવા, સારા કામને બિરદાવવા કે લોકોમાં સમાજ માટે કંઈક કરવા જુસ્સો પ્રેરવા કરે તો સમાજનું ભલું થાય પરંતુ આવા નાજુક સમયે પણ લોકોમાં ડર, ભય, ગભરાટ ફેલાય તેવા અને કામ વિનાના ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ જેવા ઉપરાંત એવા નકામા મેસેજો, ફોટાઓ, વીડિયો વગેરેનો મારો ચલાવે છે કે લોકો પણ હવે તો આનાથી કંટાળી ગયા છે.