(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
રાજ્યમાં અનલોકની છૂટછાટ દરમ્યાન કોરોના હાહાકાર સર્જી રહ્યો છે. અગાઉના લોકડાઉન કરતા અનલોકમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દિવસે-દિવસે કોરોના પોઝિટિવ કેસો નવા રેકોર્ડ સર્જે છે. જેમાં છેલ્લા દસ દિવસમાં તો રોજના કેસોનો આંક ૭૦૦થી વધીને ૮૭પ સુધી પહોંચી જવા પામેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં વધુ નવા ૮૭ર વિસ્ફોટક કેસો બહાર આવેલ છે. જેમાં રાજ્યના નવા મુખ્ય હોટસ્પોટ બનેલ સુરતમાં વિસ્ફોટક પ્રમાણમાં ર૭૦ કેસ બહાર આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, ભરૂચ જિલ્લામાં પણ કેસોમાં ઘણો વધારો નોંધાયો છે. જ્યારે કોરોનાને લીધે રાજ્યમાં મૃત્યુના પ્રમાણમાં પ્રથમવાર સારો એવો ઘટાડો જોવા મળતા છેલ્લા ર૪ કલાકમાં ૧૦ વ્યક્તિઓનાં મૃત્યુ થવા પામેલ છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં સુધારો જારી રહેતા વધુ પ૦ર દર્દીઓ સાજા થઈ ઘરે જવામાં સફળ રહ્યા છે.
રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવા સાથે કેસોમાં સતત ઉછાળો સરકાર માટે પડકાર ઊભો કરી રહ્યો છે તો પ્રજાજનોમાં ચિંતા સાથે ભયની લાગણી ફેલાવી રહ્યો છે. રોજે-રોજ રેકર્ડરૂપ કેસોનો આંક બહાર આવતાં રાજ્યભરના કોરોના કેસોનો આંક બહુ જ ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ ઉછાળારૂપ નવા ૮૭ર કેસ બહાર આવ્યા છે. જેમાં આજે પણ નં.૧ સુરત રહેતા સુરતમાં ર૭૦ કેસ બહાર આવ્યા છે. (સુરત શહેરમાં ૧૮૦ અને ગ્રામ્યમાં ૯૦ કેસ) અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેર-જિલ્લામાં છેલ્લા દસેક દિવસથી ર૦૦થી વધુ વિસ્ફોટક કેસો સતત નોંધાઈ રહ્યા હોઈ તંત્રની દોડધામ વધી જવા પામી છે. જ્યારે રાજ્યના કોરોનાના મુખ્ય હોટસ્પોટ અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસોમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં ૧૬૬ કેસ અને ગ્રામ્યમાં ૧ર મળી કુલ ૧૭૮ કેસ નોંધાયા છે. તે પછી વડોદરા જિલ્લામાં-૭ર કેસ, ભાવનગરમાં-૪૯ કેસ, રાજકોટમાં-૪૧, ગાંધીનગર-ર૮, જૂનાગઢ-ર૪, ભરૂચ-૩૩, ખેડા-ર૦, મહેસાણા-૧૯, નવસારી-વલસાડ-૧૭-૧૭, બનાસકાંઠા-૧ર, જામનગર-૧૧ કચ્છ-સુરેન્દ્રનગર-૧૦-૧૦ કેસ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૯ કેસ નોંધાયેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીના કોરોનાના કેસોનો કુલ આંક ૪૧ હજારને પાર થઈ જવા પામ્યો છે. જ્યારે અમદાવાદમાં કુલ કેસોનો આંક ૨૨૯૫૩ થવા પામેલ છે.
રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ મૃત્યુના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કોરોનામાં વધુ ૧૦ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં ચારનાં મોત થયા છે તો સુરતમાં ત્રણના મોત થયેલ છે. જ્યારે દાહોદ, કચ્છ અને પાટણ જિલ્લામાં ૧-૧ વ્યક્તિઓના મૃત્યુ નિપજેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યારસુધીમાં કોરોનામાં કુલ ૨૦૩૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોના હબ એવા અમદાવાદમાં કુલ મૃત્યુઆક ૧૫૧૬એ પહોંચ્યો છે. રાજ્યમાં બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના મામલામાં સુધારો રાહતરૂપ જારી છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાની સારવાર દરમ્યાન વધુ ૫૦૨ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. આ સાથે રાજ્યમાં કુલ ર૮,૬૮પ લોકો કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪.પ૭ લાખ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૩.૧૬ લાખ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ

જિલ્લા/કોર્પોરેશન કેસ
સુરત કોર્પોરેશન ૧૮૦
અમદાવાદ કોર્પોરેશન ૧૬૬
સુરત ૯૦
વડોદરા કોર્પોરેશન ૪૨
ભાવનગર કોર્પોરેશન ૩૭
વડોદરા ૩૦
રાજકોટ કોર્પોરેશન ર૯
ભરૂચ ર૩
ખેડા ર૦
મહેસાણા ૧૯
નવસારી ૧૭
વલસાડ ૧૭
જૂનાગઢ કોર્પોરેશન ૧૬
ગાંધીનગર ૧૪
ગાંધીનગર કોર્પોરેશન ૧૬
ગાંધીનગર ૧૪
ગાંધીનગર કોર્પોરેશન ૧૪
અમદાવાદ ૧ર
બનાસકાંઠા ૧ર
ભાવનગર ૧ર
રાજકોટ ૧ર
કચ્છ ૧૦
સુરેન્દ્રનગર ૧૦
જામનગર ૯
સાબરકાંઠા ૯
આણંદ ૮
ગીર સોમનાથ ૮
જૂનાગઢ ૮
મોરબી ૭
નર્મદા ૭
મહીસાગર ૬
પંચમહાલ પ
પાટણ પ
અમરેલી ૪
અરવલ્લી ૪
દાહોદ ૩
બોટાદ ર
જામનગર કોર્પોરેશન ર
છોટાઉદેપુર ૧
દેવભૂમિ દ્વારકા ૧
પોરબંદર ૧
તાપી ૦
કુલ ૮૭ર