• રાજ્યભરમાં કોરોનાના અત્યાર સુધીના કેસોનો આંક પ૩,૬૩૧ : કુલ મૃત્યુઆંક રર૮૩ ! • કોરોના હબ અમદાવાદમાં કુલ કેસોનો આંક રપ હજારને પાર થતા રપ,૩૪૯ કેસ : કુલ મૃત્યુઆંક ૧પ૬૯ • રાજ્યમાં ૮૭ર દર્દી સાજા થયા : કુલ ૩૮,૮૩૦ કોરોનામુક્ત !

(સંવાદદાતા દ્વારા) ધીનગર, તા.ર૪
કોરોના વાયરસનું સંક્રમણ એક-બે જિલ્લાને બાદ કરતા સમગ્ર રાજ્યમાં જારી રહેલા અને તેમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી તો સુરત, અમદાવાદ બાદ પાંચથી છ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. જેને પગલે રાજ્યભરમાં રોજે-રોજ કોરોનાના કેસો નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. છેલ્લા ચારેક દિવસથી તો સતત ૧૦૦૦થી વધુ કેસો બહાર આવી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના વધુ નવા ૧૦૬૮ કેસ બહાર આવ્યા છે. જેમાં સુરતમાં ફરી એકવાર કેસોમાં ભારે ઉછાળો નોંધાતા ૩૦૦થી વધુ કેસો બહાર આવ્યા છે. ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ કેસો વધવા પામ્યા છે. જ્યારે કોરોનામાં મોતના પ્રમાણમાં વધારો જારી રહેતા આજે પણ વધુ ર૬ વ્યક્તિઓ મોતને ભેટી છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના મામલમાં ઉછાળો જારી રહેતા વધુ ૮૭ર દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. રાજ્યભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે તેને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો વચ્ચે રોજે-રોજ રેકોર્ડરૂપ કોરોના કેસો બહાર આવી રહ્યા છે. ત્યારે તે માટેના પગલા તથા કામગીરીમાં આગળ વધવાને બદલે અન્ય રાજ્યોના આંકડા રજૂ કરી ગુજરાત પાછળ હોવાના દાવા સરકાર દ્વારા સરકારી પ્રેસનોટ મારફતે કરવાનું અભિગમ અપનાવવાને લઈ આશ્ચર્ય સર્જાઈ રહ્યું છે. સરકારી દાવા મુજબ એક્ટિવ કેસમાં ૭મા ક્રમે છે અને રોજના કેસોમાં ૧૦મા ક્રમે છે જ્યારે કુલ કેસોમાં છઠ્ઠા ક્રમે છે. ગુજરાતમાં કોરોના વાયરસને માઝા મૂકી છે. છેલ્લા ૪ મહિનાથી વધારે સમયથી ગુજરાતમાં ધામા નાખીને બેઠેલો કોરોના હવે દિવસેને દિવસે વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં ચારેક દિવસથી કોરોનાનાં કેસ ૧૦૦૦થી વધુ આવી રહ્યા છે. છેલ્લા ૨૪ જ કલાકમાં રાજ્યમાં કોરાનાનાં ૧૦૬૮ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોવિડ-૧૯ના કૂલ કેસોની સંખ્યા વધીને ૫૩, ૬૩૧એ પહોંચી છે. આજે સુરતમાં ૩૦૯ કેસ નોંધાયા હતાં, જ્યારે ૧૨ લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં ૧૭૬ કેસ નોંધાયા છે અને ૩ના મોત થયા છે. રાજ્યમાં કૂલ મૃત્યુઆંક વધીને ૨૨૮૩એ પહોંચ્યો છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૧૨ દર્દીઓના મત્યુ થયાની પૃષ્ટી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ કોપોરેશન ૩, વડોદરામાં ૩, કચ્છમાં ૩, ગાંધીનગર, જામનગર, મહેસાણા રાજકોટ તથા તાપી જિલ્લામાં ૧-૧ વ્યક્તિના મૃત્યુ નિપજેલ છે. રાજ્યના કુલ રર૮૩ મોત પૈકી એકલા અમદાવાદનો જ કુલ મૃત્યુઆંક ૧પ૬૯ થવા પામ્યો છે જ્યારે સુરતમાં ૩૪૧નાં મોત થયેલ છે. રાજ્યભરમાં આજે નોંધાયેલા ૧૦૬૮ કેસો પૈકી સૌથી વધુ સુરત અને તે બાદ અમદાવાદમાં કેસ નોંધાયા છે તે પછી વડોદરા જિલ્લામાં ૯ર કેસ, રાજકોટમાં પ૯, ભાવનગરમાં ૩૯, ભરૂચમાં ૩૦, જૂનાગઢમાં ર૮, ગાંધીનગર-અમરેલી-બનાસકાંઠામાં ર૬-ર૬ કેસ, સુરેન્દ્રનગરમાં રપ કેસ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી રર કેસ નોંધાવવા પામેલ છે. રાજ્યભરના કુલ આંક સામે કોરોના હબ એવા અમદાવાદમાં કોરોના કેસોનો કુલ આંક રપ હજારને પાર થઈ જતાં કુલ રપ૩૪૯ થવા પામેલ છે તો કોરોનાના બીજા હોટસ્પોટ સુરતમાં કુલ ૧૧૦૯૭ કેસ થયા છે. રાજ્યભરમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં ઉછાળો જારી રહેવા પામતા ર૪ કલાકમાં વધુ ૮૭ર દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ઘરે ગયેલ છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ૧પ૧ અને ગ્રામ્યમાં ૭પ મળી કુલ રર૬ દર્દી સાજા થયા છે. તો અમદાવાદ શહેરમાં ૧૯૧ અને ગ્રામ્યમાં ૧૪ મળી કુલ ર૦પ દર્દી સાજા થયેલ છે. રાજ્યભરમાં અત્યારસુધીમાં કુલ ૩૮૮૩૦ લોકો કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે. રાજ્યભરમાં અત્યારસુધીમાં કુલ ૬.૦૬ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો રાજ્યના કુલ ૧રપ૧૮ એક્ટિવ કેસ પૈકી ૮૩ને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે. જ્યારે ૧ર૪૩પની સ્થિતિ સ્થિર દર્શાવવામાં આવી રહી છે.