(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૬
કોરોનાના કેસોના મામલામાં દેશભરમાં ગુજરાત મુખ્ય ત્રણ-ચાર રાજ્યોમાં હોઈ કેન્દ્ર સરકાર પણ ગુજરાતની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને રાજ્યમાં વધતા જતાં કેસોને લઈ કેન્દ્રની આરોગ્ય ટીમ અહીં મોકલી છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ કોરોનાનું સંક્રમણ વધતું જ જોવા મળી રહ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં ફરી એકવાર કોરોના પોઝિટિવના પ૮૦ વિસ્ફોટ કેસ બહાર આવવા પામેલ છે. આ આંક અત્યાર સુધીમાં બે વાર નોંધાયો છે અને તે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે જ્યારે રાજ્યમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ થોડું ઘટવા પામ્યું છે. ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ૧૮ વ્યક્તિઓના મૃત્યુ થવા પામેલ છે. બીજી તરફ રાજ્યભરમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં સુધારો રહેતાં આજે પણ વધુ પ૩ર દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે.
રાજ્યભરમાં કોરોના વાયરસનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. રાજ્યના બે-ચાર જિલ્લાને બાદ કરતાં મોટાભાગના બધા જ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. એટલું જ નહીં કેસોમાં ઉત્તરોત્તર વધારો પણ જોવા મળી રહ્યો છે. કેસોની સ્થિતિ જોતા આગળ જતાં રાજ્યમાં કોરોના વધુ ભયજનક સ્થિતિ ઊભી કરે તેમ જણાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ નવા પ૮૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે જેમાં અમદાવાદ જિલ્લામાં આજે પણ ઘટાડો જારી રહેતાં ર૧૯ કેસ નોંધાયા છે તો સુરત જિલ્લામાં કોરોના કેસોમાં ઉછાળો જારી રહેતાં આજે વધુ ૧૮ર કેસ નોંધાયા છે. તે પછી વડોદરા-૪પ કેસ, ભરૂચમાં ૧૬, ગાંધીનગરમાં ૧૪, રાજકોટ ૧૩, આણંદ-પાટણમાં ૮-૮ કેસ તથા જામનગરમાં ૯ કેસ, ભાવનગરમાં ૮, મહેસાણામાં ૭, સુરેન્દ્રનગર-નર્મદામાં ૬-૬ કેસ તથા ખેડા-અમરેલીમાં પ-પ, પંચમહાલ-નવસારીમાં ૪-૪ કેસ, કચ્છમાં ૩, જૂનાગઢ-બોટાદ-છોટાઉદેપુર-મોરબી-દાહોદમાં ર-ર કેસ તેમજ અન્ય પાંચ જિલ્લામાં ૧-૧ કેસ અને અન્ય રાજ્યમાંના પ કેસ નોંધાવવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યારસુધીમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક ત્રીસ હજારને પાર થઈ જતાં કુલ ૩૦૧પ૮ કેસ થયા છે. જ્યારે કોરોના હબ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસો ર૦ હજારને પાર થઈ જતાં ર૦૦પ૮ આંક થયો છે.
રાજ્યમાં વધતા કોરોના કેસો સામે મૃત્યુનું પ્રમાણ બે-ત્રણ દિવસથી થોડું ઓછું થતાં રાહતરૂપ છે. ર૪ કલાકમાં રાજ્યભરમાં ૧૮ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેટી છે જેમાં હોટસ્પોટ અમદાવાદ જિલ્લામાં પણ મૃત્યુના મામલે સારો એવો ઘટાડો નોંધાતા આજે ૮ વ્યક્તિઓ મૃત્યુ પામી છે. જ્યારે સુરતમાં ૩, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં ર-ર વ્યક્તિ તથા મહેસાણા-બનાસકાંઠા-પાટણ જિલ્લામાં ૧-૧ વ્યક્તિના મૃત્યુ નિપજેલ છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૭૭ર લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૯૯ કોરોનામાં મોતને ભેટયા છે.
રાજ્યમાં કોરોનાના કેસો અને મોતના બનાવોની સામે રાહતરૂપ કોરોનામાંથી સાજા થવાના મામલામાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાંથી વધુ પ૩ર દર્દીઓ કોરોનાની સારવારમાંથી સાજા થઈને ઘરે જવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ર૧૦ દર્દી, સુરતમાં ૧૪૯, વડોદરામાં ૧૦૧, ગાંધીનગરમાં ૧૩, આણંદ ૧૦, પાટણ-અરવલ્લીમાં ૮-૮ દર્દી તથા પંચમહાલમાં ૭ દર્દી, ખેડામાં પ, રાજકોટમાં ૪, કચ્છ-ભરૂચ-સુરેન્દ્રનગરમાં ૩-૩, અમરેલી-બનાસકાંઠામાં ર-ર દર્દી અને જામનગર-ભાવનગર-જૂનાગઢ-સાબરકાંઠા જિલ્લાઓમાં ૧-૧ દર્દી સાજા થવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ રર૦૩૮ લોકો કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ કેસ પૈકી ૬૩૪૮ એક્ટિવ કેસ પૈકી ૬૧ દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે અન્ય ૬ર૮૭ દર્દીની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં ર૪ કલાકમાં ૬૦૦૦ જેટલા કોરોના ટેસ્ટ કરાયા હતા. જો કે, આ આંક પણ અન્ય રાજ્યોની સરખામણીએ ઓછો છે. અત્યાર સુધીમાં કુલ ૩.પ૧ લાખ ટેસ્ટ કરાયા છે. રાજ્યભરમાં આજની તારીખે કુલ ર.૩૪ લાખને ક્વોરન્ટાઈન કરાયા છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ

જિલ્લો/કોર્પોરેશન કેસ
અમદાવાદ કોર્પોરેશન ૨૦૫
સુરત કોર્પોરેશન ૧૬૧
વડોદરા કોર્પોરેશન ૩૫
સુરત ૨૧
ભરૂચ ૧૬
અમદાવાદ ૧૪
વડોદરા ૧૦
ગાંધીનગર ૧૦
રાજકોટ કોર્પોરેશન ૦૮
આણંદ ૦૮
પાટણ ૦૮
જામનગર કોર્પોરેશન ૦૭
મહેસાણા ૦૭
ભાવનગર કોર્પોરેશન ૦૬
સુરેન્દ્રનગર ૦૬
નર્મદા ૦૬
રાજકોટ ૦૫
ખેડા ૦૫
અમરેલી ૦૫
ગાંધીનગર કોર્પોરેશન ૦૪
પંચમહાલ ૦૪
નવસારી ૦૪
કચ્છ ૦૩
જૂનાગઢ કોર્પોરેશન ૦૨
ભાવનગર ૦૨
બોટાદ ૦૨
જામનગર ૦૨
દાહોદ ૦૨
છોટાઉદેપુર ૦૨
મોરબી ૦૨
અરવલ્લી ૦૧
મહિસાગર ૦૧
સાબરકાંઠા ૦૧
બનાસકાંઠા ૦૦
જૂનાગઢ ૦૦
અન્ય રાજ્ય ૦૫
કુલ ૫૮૦