રસીકરણ માટે ૧પપ૩૪ ટીમો તૈનાત : રસી માટે નાગરિકોને SMSથી જાણ કરાશે
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.પ
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વડાપ્રધાન મોદીની કોરોના વેકસીન નજીકના દિવસોમાં આવી જવાની જાહેરાત રાહત પહોંચાડનારી બની રહી છે. વેકસીન આપવાના દિવસો નજીકમાં હોઈ ગુજરાત સરકારે રાજયમાં વેકસીનેશન માટેની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરી દીધી છે. રાજયમાં વેકસીનેશન (રસીકરણ)માટે ૪૭૭૯૬ સેન્ટર નક્કી કરાયા છે અને તેમાં ૧પપ૩૪ ટીમો તૈનાત કરવામાં આવનાર છે. રાજયમાં સૌપ્રથમ આરોગ્ય કર્મીઓ તે બાદ પોલીસ હોમગાર્ડઝ અને તે પછી પ૦ વર્ષથી વધુ ઉમરના સિનિયર સિટિઝનને વેકસીન આપવાનું આયોજન કરાયું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે નજીકના દિવસોમાં કોરોના વેકસીન આવી જશે. ત્યારે રાજયમાં ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેકસીન આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકસીનેશનની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રથમ તબક્કામાં આરોગ્ય સેવા આપતા કર્મચારીઓને વેકસીનેશન કરવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ, હોમગાર્ડસ સહિતના કોરોના વોરિયર્સને વેકસીન આપવામાં આવશે. તે પછી પ૦ વર્ષથી નીચેની વયના કેન્સર, હૃદગરોગ જેવી બીમારીથી પીડિતોનો સમાવેશ કરવામાં આવશે. વેકસીન અને લાભાર્થીના ચેકીંગ માટે ભારત સરકાર દ્વારા કોવિડ સોફટવેર બનાવાયું છે. જિલ્લા તથા કોર્પોરેશન દ્વારા પણ આ સોફટવેરમાં રસીકરણના સ્થળ અને વેકસીનટરની માહિતીની એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રસી આપવા માટે તમામ આરોગ્ય કર્મીઓને જરૂર મુજબ તાલીમબદ્ધ કરાશે. જે નાગરિકોને રસી આપવાની થશે તેમને અગાઉથી એસએમએસ દ્વારા જાણ કરી સ્થળ સમય તારીખની જાણ કરવામાં આવશે. રાજય કક્ષાએ રસીકરણના મોનીટરીંગ માટે મીશન ડાયરેકટર એનએચએમને નોડલ ઓફિસર તરીકે નીમી દેવાયા છે જયારે જિલ્લા કોર્પોરેશન કક્ષાએ કલેકટર અને મ્યુનિ. કમિશનર નોડલ અધિકારી તરીકે રહેશે. રાજય કક્ષાએ મુખ્ય સચિવના અધ્યક્ષ પરીકે કાર્યવાહીનો રીવ્યુ થશે. આ સાથે સ્ટેટ ટાસ્ક ફોર્સ અને તાલુકા કક્ષા સુધીની ટાસ્ક ફોર્સ પણ રચવામાં આવી છે.
Recent Comments