અમદાવાદ, તા.૨૫
ગુજરાતના મુખ્યમંત્રી સારો વહીવટ કરવાના બદલે જાહેરાતો અને ઉત્સવો પાછળ પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ખર્ચ કરીને રાજ્યને આર્થિક ખાડામાં ઊતારી દીધું છે, જે કામ નાયબ મામલતદાર, તાલુકા મામલતદાર કે કલેક્ટરે કરવાના હોય તે કામ મુખ્યમંત્રી કરી રહ્યા છે અને ખોટી પ્રસિદ્ધિ માટે ખેડૂત સહાય વહેંચવાના નામે સમારંભો પાછળ આશરે પ૦૦ લાખ જેટલો જંગી ખર્ચ કરવામાં આવે તે કેટલું યોગ્ય છે, તેવો વેધક પ્રશ્ન કોંગ્રેસે ઊઠાવ્યો છે. મુખ્યમંત્રીનો સમય કિંમતી હોય છે અને વહિવટમાં પુરતો સમય આપી શકે. પણ ગુજરાતના મુખ્યમંત્રી સારો વહીવટ કરવાના બદલે જાહેરાતો અને ઉત્સવો પાછળ પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ખર્ચ કરીને રાજ્યને આર્થિક ખાડામાં ઊતારી રહ્યા છે. કોંગ્રેસના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની વહિવટી વિચિત્રતા એવી છે કે, મામલતદાર, તલાટી, ગ્રામસેવક, મહેસુલ કામને બદલે ભીડ એકત્ર કરવામાં વ્યસ્ત હોય, કલેક્ટર જિલ્લાના વહિવટી તંત્રને દોડતુ કરવાના કામને બદલે ઈવેન્ટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હોય, શિક્ષકો, બાળકોને શિક્ષણ આપવાને બદલે શૌચાલયો ગણવા અને તીડ ભગાડવા જેવી જવાબદારીમાં વ્યસ્ત રહે, જીલ્લા પોલીસ વડા અને પોલીસ તંત્ર દારૂ જુગારના અડ્ડા અને અસામાજીક તત્વો ઉપર ધોસ બોલાવવાની જવાબદારીને બદલે રાજકીય સંમેલનોમાં ગોઠવણમાં સતત વ્યસ્ત રહે અને બીજી બાજુ જે કામ વહિવટી તંત્રની જવાબદારીમાં આવે તે કામ મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યો વાહવાહી – પ્રસિદ્ધી માટે કરોડો રૂપિયાના ખર્ચે સમારંભોમાં મસ્ત રહે આ છે ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાત…. ! આજથી દરેક ખેડૂતોને પાક નુકસાન પેટે રકમ ચૂકવાશે તેથી રાજ્યના ૫૮ લાખ ખેડૂતો ગણતરી કરતાં દરેકના ખાતામાં સરેરાશ રૂ. ૬૫૪૩ જમા થશે. પણ મોટા ભાગના ખેડૂતોને ભારે નુકસાન થયું છે એટલે કે, જે ખેડૂતને રૂ.૧૦ લાખનું નુકસાન થયું હોય તેના વિમા કંપની આપશે કે કેમ તે નક્કી થયું નથી. જેના વિમા કંપનીએ ચૂકવવા જોઈએ તે અંગે સરકાર સંપૂર્ણપણે વિમાકંપનીનો બચાવ કરી હોય તેમ જણાય છે. સમગ્ર રાજ્યમાં ૮૫,૮૭,૮૨૬ હેક્ટર જમીનમાં વાવેતર થયેલ, આ તમામ પાકોનું વાવેતર મોટાભાગે નિષ્ફળ ગયેલ છે. ખેડૂતોના પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને વાવેતર પાછળ થયેલ ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઈટ, પાણી, મજૂરી વગેરેમાં અંદાજીત રૂ. ૨૫ હજાર કરોડ કરતાં વધારે નુકસાન થવા પામેલ છે, ત્યારે સરકારે વીમા કંપનીઓની વકીલાત કરવાને બદલે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ. વીમા કંપનીઓ ખેડૂતો પાસેથી ૧૦૦ ટકા પ્રિમિયમ વસુલી કરોડો રૂપિયાનો નફો કમાય છે જ્યારે રાજ્યના ખેડૂતો કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરે છે. રાજ્ય સરકારે કૃષિ અને સહકાર વિભાગમાં ખેડૂત કલ્યાણ શબ્દનો ઉમેરો કર્યો છે પણ હકિકતમાં ખેડૂતોને ભારે નુકસાન અને ખાનગી વીમા કંપનીઓ અને વચેટીયાઓનું મોટા પાયે કલ્યાણ થઈ રહ્યું છે.