અમદાવાદ,તા.૧૪
રાજયમાં વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી. જયારે આજે ફરી એકવાર મહત્તમ તાપમાન વધતા રાજયમાં કાળ-ઝાળ ગરમીનો અનુભવ થયો હતો. જયારે આવી ગરમીની વચ્ચે અપર એર સાયકલોનિક સરકયુલેશન સિસ્ટમને પગલે અનેક સ્થળોએ સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જયારે આજે રાજયમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીના આંકને વટાવી ગયો હતો.
શનિવારે અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું હતું. જે ગઈકાલની તુલનામાં ર ડિગ્રી જેટલુ વધુ હતું જયારે રાજકોટમાં ૪૦.૯, સુરેન્દ્રનગરમાં ૪૦.૮, ભૂજમાં ૪૦.૬, કંડલામાં ૪૦.૬, વડોદરામાં ૪૦.પ, ડીસામાં ૪૦.૦ અને આણંદમાં મહત્તમ તાપમાન ૩૯.પ ડિગ્રી નોંધાયું હતું. આમ મહત્તમ તાપમાનમાં વધારો થતા રાજયભરમાં લોકોએ ચામડી દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો. ગરમીને પરિણામે બપોરના સમયે બજારો સુમસામ રહ્યા હતા. ગરમીને લઈ લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જયારે આગામી દિવસોમાં ગરમી વધવાની શકયતા વ્યકત કરવામાં આવી છે જો કે સક્રિય થયેલ અપર એર સાયકલોનિક સરકયુલેશનને પગલે કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે.

કયાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
અમદાવાદ ૪૧.૦
ગાંધીનગર ૪૧.૦
અમરેલી ૪૧.૦
રાજકોટ ૪૦.૯
સુરેન્દ્રનગર ૪૦.૮
ભૂજ ૪૦.૬
કંડલા ૪૦.૬
વડોદરા ૪૦.પ
ડીસા ૪૦.૦
આણંદ ૩૯.પ