પાવીજેતપુેર, તા.ર
ગુજરાત રાજ્યમાં ચાલતી કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે, તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક જગ્યાઓ મહેકમ પ્રમાણે ન ભરાતા શાળાઓમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના પરિણામો ખૂબ નબળા આવી રહ્યા છે. આવા પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મહામંડળના પ્રમુખ સંજયભાઈ શાહના જણાવ્યા મુજબ ૧૯૯૩ સુધી આપણા રાજ્યમાં ફક્ત અને ફક્ત ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ ચાલતી હતી. ૧૯૯૪માં સ્વનિર્ભર શાળાઓનો વિકલ્પ આવતા આજે પરિસ્થિતિ એવી આવી છે કે, દર વર્ષે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ ૧૦૦ કે તેથી વધુની સંખ્યામાં બંધ થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં નાના- નાના ગામડાઓમાંથી બાળકોને દૂર ગામોમાં ભણવા માટે જવું પડે છે શાળાઓમાં વિવિધ જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં પરિણામો દિન પ્રતિદીન ઘટતા જાય છે. તેની પાછળ શાળામાં આચાર્ય, શિક્ષક, ક્લાર્ક, ગ્રંથપાલ, લેબ આસિસ્ટન્ટ અને સેવકની ઘટ જવાબદાર છે. તે માટે ખાલી પડેલી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ ભરવા માટે યોગ્ય તજવીજ થવી જરૂરી છે. આમ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક જગ્યાઓ આગામી ૩ માસમાં ભરાય તો ઓક્ટોબર ૨૦૨૦ પછી શાળાઓને પૂરેપૂરૂં મહેકમ મળે અને શાળા સંચાલકોને પોતાની શાળાના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨રના પરિણામ સુધારવા માટે એક તક ઊભી થાય તેમજ ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રીને મળીને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.