ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના અમલ સાથે તેની કડક જોગવાઈઓની જાહેરાત
• ફરિયાદોની ચકાસણી માટે કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના સાથે સ્પેશિયલ કોર્ટ ઊભી કરાશે
• ગુનેગારને ૧૦થી ૧૪ વર્ષ સુધીની સજા : છ માસમાં કેસોનો નિકાલ કરાશે
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૬
રાજ્યમાંના ગેરકાયદે જમીન હડપ કરનારા ભૂમાફિયાઓને અંકુશમાં લઈ જમીન-માલિકોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભામાં પસાર કરાયેલ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો કડક અમલ આજથી જ રાજ્યભરમાં કરવાનો નિર્ણય લેવાયો છે. આ કાયદાની કડક જોગવાઈઓ આજે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેર કરી હતી, જેમાં આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની ચકાસણી અર્થે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે. આ ઉપરાંત આવા કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશિયલ કોર્ટ ઊભી કરાશે. આ કાયદા હેઠળ ગુનેગારને ૧૪ વર્ષ સુધીની જેલ થશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ગેરકાયદેસર જમીન પર કબજો મેળવીને ખોટો જમાવતા ભૂમાફિયા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. જેને સમગ્ર રાજ્યમાં આજથી (બુધવાર) જ લાગુ કરવાની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. આ સમગ્ર રાજ્યમાં લાગુ થવાથી હવે ભૂમાફિયાની લગામ ખેંચવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ કાયદા વિશેની જાહેરાત કરી હતી કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ આજથી સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય જમીનના કાયદાને લઈને સૌ પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો છે, જેથી હવે રાજ્યમાં કોઈપણ અસામાજિક વ્યક્તિ અથવા તો ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે જમીન પોતાના કબજામાં લઈ શકશે નહીં અને જો તેઓ આવું કૃત્ય કરશે તો તેમના વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, કાયદાને અમલ કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સાત અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ કમિટી જિલ્લા પ્રમાણે કામ કરશે. કમિટીમાં ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના અધિકારી, એસપી અને અધિક નિવાસી કલેક્ટરને સ્થાન આપવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તો તેઓ સીધા કલેક્ટરને કરી શકે છે.
આ કાર્યવાહી કરવા બાબતે રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, જો કોઈ વ્યક્તિની જમીન અથવા તો મકાન કોઈ અસામાજિક વ્યક્તિ અથવા તો ભૂમાફિયા હડપ કરી દીધું હોય તો તેઓ કઈ રીતે કાર્યવાહી કરી શકશે તો સૌપ્રથમ તે વ્યક્તિ સીધા કલેક્ટર ઓફિસે તેઓની ફરિયાદ કરશે. કલેક્ટર ઓફિસે તેમની ફરિયાદ દાખલ થતાં જ કલેક્ટર ફરિયાદને લઈને તપાસ હાથ ધરશે અને જો તપાસ વ્યાજબી ઠરશે તો કલેક્ટર પોલીસને સાત દિવસની અંદર કેસ દાખલ કરવાની સૂચના આપશે. સાત દિવસની અંદર કેસ દાખલ થયા બાદ ૨૧ દિવસની અંદર પોલીસે આ તપાસ પૂર્ણ કરવાની રહેશે અને આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવાના રહેશે. જેમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા છ મહિનાની અંદર આરોપીઓને સજા આપવામાં આવશે, આમ સમગ્ર પ્રક્રિયા કુલ છથી સાત મહિના સુધી ચાલે તેમ તેમણે જણાવ્યું હતું.
કાયદામાં સજાની જોગવાઈ બાબતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો કોઈ ભૂમાફિયાઓ દોષિત રહે તો કોર્ટ દ્વારા તેઓને સજા આપવામાં આવશે અને આ કાયદામાં સજા ૧૦ વર્ષથી ૧૪ વર્ષની રાખવામાં આવી છે. એટલે કે, ૧૦ વર્ષથી વધુ હોય તો તેઓને જામીન લાયક પણ રહેતા નથી એટલે આ બિનજામીન લાયક ગુનો ગણવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ તમામ કેસોનો નિકાલ છ મહિનાની અંદર જ કરવામાં આવશે, દરેક જિલ્લામાં એક સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે અને દરેક સ્પેશિયલ કોર્ટમાં એક સરકારી વકીલની પણ નિમણૂક કરવામાં આવશે. જ્યારે વિશેષ અદાલતને દીવાની અને ફોજદારી એમ બંને પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ પણ આપવામાં આવશે. જ્યારે આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે.
વિશેષ અદાલતને દીવાની-ફોજદારી બંને પ્રકારની કાર્યવાહીની સત્તા લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુનાઓની તપાસ DySP કક્ષાના અધિકારી કરશે
રાજ્યના લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સરકાર દ્વારા આજે કાયદાકીય જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે તે નીચે મુજબ છે.
• આ કાયદા હેઠળની ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ૭ અધિકારીઓની કમિટીની રચના.
• જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટ ઊભી કરાશે.
• સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં જિલ્લા કલેક્ટરને અને રાજ્ય સરકારને આપમેળે-સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.
• આ કમિટીની બેઠક ફરજિયાતપણે દર ૧પ દિવસે યોજાશે. કમિટી સમક્ષ સભ્ય સચિવ જે ફરિયાદો રજૂ કરશે તેની તપાસ માટે જે-તે પ્રાંત અધિકારી અન્ય સક્ષમ અધિકારીને તપાસ સોંપશે.
• આવી તપાસમાં પ્રથમ દર્શી રીતે ફરિયાદ કરનારનું હિત સંકળાયેલુ છે કે કેમ તેમજ મહેસૂલી ટાઇટલ તે વ્યકિતના નામે છે અને ખરેખર કાયદાનો ભંગ થયાનું કૃત્ય છે તેવી સંપૂર્ણ તપાસ સાથે પ્રથમ દર્શનીય અહેવાલ સમિતિને તપાસ અધિકારી સોંપશે.
• બળપ્રયોગ, ધાક ધમકી, લોભ લાલચ કે છેતરપિંડીથી આવી જમીનનો કબજો મેળવાયો છે કે કેમ તેનો પણ અહેવાલ આપશે.
• જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની કમિટી સમક્ષ આવો તપાસ અહેવાલ રજૂ થાય તેના ૨૧ દિવસમાં કમિટીએ નિર્ણય લેવો પડશે.
• આ કમિટી એવા નિષ્કર્ષ પર આવે કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ અંતર્ગત આવરી લેવા યોગ્ય આ ગુનો છે, ત્યારે કમિટી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર કરે ત્યારે આવા નિર્ણયના એક સપ્તાહ-૭ દિવસમાં પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધવી પડશે.
• આ કાયદાના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી)ના દરજ્જાના અધિકારી કરશે.
• વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનારા કેસોનો ૬ મહિનામાં નિકાલ કરવાનો રહેશે.
• વિશેષ અદાલતમાં સરકારી વકીલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂંક કરશે.
• વિશેષ અદાલતોને દિવાની અને ફોજદારી બેય અદાલતોની સત્તા જે નાગરિકની જમીન હડપ કરી લેવામાં આવી છે તેને વળતર તેમજ ઝડપી ન્યાય પણ મળશે.
• આક્ષેપ ખોટા પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાને શિરે રહેશે.
• જમીન ખરીદનારે ખરીદી માટેના નાણાંકીય સ્ત્રોત પોતાની આવકમાંથી ઊભા કરેલા છે તેવું સાબિત કરવાનું રહેશે.
Recent Comments