અમદાવાદ, તા.૩
રાજ્યામાં સત્તાવાર ચોમાસું શરૂ થયા બાદ પણ હજુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો નથી. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ એક સાયકલોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ૪થી ૭ જુલાઈ દરમ્યાન રાજ્યમાં અનેક સ્થળોએ સારો વરસાદ થવાની શકયતા છે જ્યારે એક અનુમાન મુજબ સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે. આ બધાની વચ્ચે શુક્રવાર સવારથી રાજ્યમાં અનેક સ્થળોએ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ૯ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથના કોડીનારમાં માત્ર ચાર કલાકમાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ડેડિયાપાડમાં ર ઈંચ, તલાલામાં બે ઈંચ જ્યારે આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, બાબરા, બોટાદ, અમદાવાદ, વાપી ગાંધીનગરના દેહગામમાં દોઢ ઈંચ, ભરૂચના વાલિયામાં બે ઈંચ આહવામાં એક ઈંચ, ઉમરપાડામાં ર ઈંચ સહિત કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ થયાના અહેવાલો સાંપડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં શુક્રવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં કોડીનારમાં માત્ર ૪ કલાકમાં ધોધમાર ૬ ઈંચ અને તાલાલામાં માત્ર બે કલાકમાં ર ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ થયો હતો. માત્ર પોણા કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી બાબરાના બજારોમાં પાણી ભરાયા હતા. રાજુલા પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાજુલાના રામપરા-રમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. જ્યારે ખંભાત ડેડાણ ગામે ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે ભાવનગર-સોમનાથ હાઈવે બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી. જ્યારે અમરેલી પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભારે બફારા બાદ ગોંડલ પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જ્યારે બપોર બાદ રાજ્યમાં અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડ્યા છે. જ્યારે રાજ્યમાં સાયકલોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેને લીધે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, કચ્છ, નવસારી, વલસાડ, ડાંગ, આણંદ, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, પોરબંદર, દ્વારકા, દાહોદ સહિત અનેક સ્થળોએ આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે રાજ્યમાં શુક્રવાર સાંજ સુધી પ૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.