(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
સ્વચ્છ-સ્વસ્થ અને સલામત ગુજરાતના સૂત્રો સાથે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરવાની અને ગુજરાત બહારના અન્ય રાજયોના તથા વિદેશના પણ દર્દીઓ અહી શ્રેષ્ઠ સારવાર માટે આવતા હોવાની મોટી મોટી વાતો કરતી રાજયની ભાજપ સરકાર હોસ્પિટલોને અદ્યતન સુવિધા સંપન્ન બનાવવાની ગુલબાંગો વારેઘડિયે હાંકતી રહે છે. તો કેન્દ્ર અને રાજયની ભાજપની સરકારો ક્ષય (ટીબી) નાબૂદીમાં મોટા ભાગે સફળતા હાંસલ કરવાની પણ જાહેરાતો કરતી રહે છે. ત્યારે રાજયમાંની વાસ્તવિક સ્થિતિ વિરોધાભાસી જ જોવા મળી રહી છે. રાજયમાં છેલ્લા બે વર્ષમાં ક્ષય (ટીબી)ના કારણે ૧૦,૧ર૦ના મોત થવા પામ્યા છે એટલે કે દરરોજ ૧૪ જેટલી વ્યકિતઓના મોત થવા પામેલ છે અને રાજયમાં દરરોજ ૩૦૮થી ૩૦૯ કેસ ક્ષયના નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ કેન્સરનો પણ રાજયમાં વ્યાપ જાણે વધી રહ્યો હોય તેમ દરરોજ ૪૭થી ૪૮ કેસ નવા નોંધાય છે અને તેની સામે ત્રણ વ્યકિતઓના મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાત સરકારના જ સરકારી દફતરેથી આવેલી વિગતોના આંકડા ચોંકાવનારા છે અને રાજયની આવી ગંભીર બીમારીઓની સ્થિતિ તથા તેને નાબૂદ કરવા માટેના પગલાની મોટી વાતોની પોલ ખોલે છે. સરકારને ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબમાં આ હકીકતો બહાર આવતી રહે છે. હાલમાં ચાલી રહેલ વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી અપાયેલ વિગતો મુજબ રાજયમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરના ૩૪,૭૩૩ કેસ નોંધાયા હતા અને તેની સામે રરપ૦નાં મૃત્યુ થવા પામેલ છે. એટલે કે દરરોજ ત્રણ વ્યકિતઓના મોત થાય છે. જયારે એઈડઝના ૧૮,૦૯૧ કેસ રાજયમાં નોંધાયા હતા. જેમાંથી ૧પપ૭ વ્યકિતઓના મોત થવા પામેલ છે. એટલે કે દરરોજ બે જણ મોતને શરણ થાય છે. ભારત સરકારના ક્ષય (ટીબી) નાબૂદી અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ક્ષયના કસો મોટાપાયે જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ર,રપ,ર૧ર કેસો ક્ષયના નોંધાયા હતા. જેની સામે ૧૦,૧ર૦ના મૃત્યુ થવા પામેલ છે. એટલે કે રાજયમાં દરરોજ ૩૦૮થી ૩૦૯ કેસ ક્ષયના નોંધાય છે અને તે પૈકી રોજ ૧૩થી ૧૪ વ્યકિતઓના મૃત્યુ થઈ રહ્યા છે તેવી વિગતો સરકાર તરફથી જણાવાઈ છે. રાજયમાં સૌથી વધુ ક્ષયના કેસો આદિવાસી બહુમતીવાળા દાહોદ જિલ્લામાં ૧૭,પ૩૩ નોંધાયા હતા. તે પછીના ક્રમે પણ રાજયના છેવાડાનો અને આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતો બનાસકાંઠા જિલ્લો આવે છે જયાં ૧પ,ર૭૮ કેસ નોંધાયેલ છે. તો મૃત્યુની દૃષ્ટિએ પ્રથમક્રમે પંચમહાલ જિલ્લો છે જયાં ૭૦પના મોત નોંધાયેલ છે. તે પછીના ક્રમે ૬૦પ મૃત્યુ સાથે ખેડા જિલ્લો બીજા ક્રમે આવે છે. આ વિગત પરથી જણાય છે કે છેવાડાના માનવીના વિકાસ તથા સુવિધા સંપન્ન બનાવવાની વાતો વચ્ચે છેવાડાના જિલ્લાઓની શું સ્થિતિ છે.