(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧પ
રાજયમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે પહેલા જ દિવસે રાજયના ૨૮૨૦ ખેડૂતોએ પોતાની ૩૯,૦૦૦ ક્વિન્ટલથી વધુ મગફળી ટેકાના ભાવે વેચી હતી. આમ આજે અંદાજે રૂા.૧૯ કરોડથી વધુ રકમની મગફળીની સરકાર દ્વારા ખરીદી કરાઈ હતી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રાજયભરમાં ૧૨૨ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. કેટલાંક તાલુકાઓને બીજા તાલુકાઓ સાથે મર્જ કરતા રાજયમાં હવે ૯૪ ખરીદ કેન્દ્રો પરથી આજથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તા.૧લી નવેમ્બરથી શરૂ થયેલા રજીસ્ટ્રેશન પ્રમાણે પ્રથમ નોંધાયેલા ખેડૂતો પાસેથી ક્રમાનુસાર મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. નોંધાયેલા ખેડૂતોને સરકાર દ્વારા એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવી રહી છે. ૪૭૦૦ જેટલાં ખેડૂતોને તેમણે રજીસ્ટ્રેશન કરાવેલા કેન્દ્રો ખાતે મગફળી લઈને આવવા આ રીતે જાણ કરાઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, આજે સવારે ૯ઃ૦૦ વાગ્યાથી શરૂ થયેલ ખરીદી મોડી રાત સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
ખેડૂતોને મગફળીના વેચાણમાં જ્યાં પણ નાની મોટી ફરિયાદો મળી છે કે, વ્યવસ્થામાં ઓછપ જણાઈ છે ત્યાં આવતીકાલથી વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવાના પૂરતા પગલાં લેવાઈ ગયા છે.
કેન્દ્ર સરકારના નાફેડની સાથે રહીને અન્ન નાગરિક પૂરવઠા નિગમે નોડલ એજન્સી તરીકે ખરીદીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ કર્યો છે. કેન્દ્ર સરકારે મગફળી માટે રૂ. ૪,૮૯૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યાં છે. તે ઉપરાંત રાજ્ય સરકાર રૂા.૧૧૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપી રહી છે.