અમદાવાદ, તા.૧
દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના સામે લડવા અનેક ઉપાયો હાથ ધરાયા છે. રાજ્યનું આરોગ્ય વિભાગ પણ આ મામલે સક્રિય બન્યું છે. રાજ્યભરમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં સેવારત તબીબોને વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી રાજ્યના એક્ષપર્ટ તબીબો દ્વારા કોવિડ-૧૯ના ક્રિટિકલ દર્દીઓને સાજા કરવા લાઈવ માર્ગદર્શન આપવાના હેતુસર એક વિશેષ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ હાઈરિસ્ક તથા વેન્ટીલેટર કેર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. બેક ઓફિસ ચાલી રહેલા આ ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ દ્વારા અત્યાર સુધીમાં મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે. એવા કોરોના સંક્રમિત કોવિડ-૧૯ના ર૪ બાળકો, ૩ સગર્ભા અને ૬૮ વૃદ્ધ એમ ૯પ દર્દીઓને સાજા કરવામાં વિશેષ સફળતા મળી છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતી રવિ દ્વારા આ પ્રોગ્રામનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોવિડ-૧૯ હોસ્પિટલોમાં જે દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમાં કેટલાક કોમોબીર્ડ અને હાઈરિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ પોતાની અન્ય જટિલ બીમારીઓને કારણે ક્રિટિકલ સ્ટેજ પર આવી જતાં હોય છે. આવા સંજોગોમાં આ દર્દીઓને તે તબીબો માટે ઘણીવાર મૂંઝવણભરી સ્થિતિ ઊભી થાય છે. તબીબોની આ મૂંઝવણ દૂર કરવા માટે રાજ્યના એક્ષપર્ટ તબીબોની ટીમ દ્વારા આ હોસ્પિટલમાં કાર્યરત તબીબોને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવે છે. દર્દીની સ્થિતિ વિશે જાણીને આવા ક્રિટિકલ દર્દીઓનું મૂલ્યાંકન વેબ સિસ્કોના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજીને કોવિડ હોસ્પિટલોના તબીબોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ જ કારણોસર ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ શરૂ કરવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય વેન્ટીલેટર કેર દર્દીઓ માટે નવી લાઈફ લાઈન સમાન સાબિત થયો છે. જેના થકી અનેક ક્રિટિકલ દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી છે.