•  અનેક સ્થળોએ પારો ૧૦ ડિગ્રીની નજીક

•  આગામી દિવસોમાં ઠંડી જોર મારશે

અમદાવાદ, તા.ર૩
રાજ્યમાં શિયાળો બરાબરનો જામી ગયો છે. નવા વર્ષના આગમન પૂર્વે કાતિલ ઠંડીએ અડ્ડો જમાવી દીધો છે. લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે ઠંડીનો જોરદાર ચમકારો યથાવત્‌ રહ્યો છે. બુધવારે નલિયામાં સૌથી ઓછું ૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગિરનાર પર્વત પર પ ડિગ્રી અને ગાંધીનગર ખાતે લઘુત્તમ તાપમાન ૮.પ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આવનાર દિવસોમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થાય તેવું નથી. ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહે તેવું લાગી રહ્યું છે.

રાજ્યમાં કોરોના કાળમાં શિયાળાએ ડિસેમ્બર મહિનાના અંતિમ પડાવમાં પોતાનો જોરદાર મિજાજ બતાવતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. છેલ્લા ૧૦ દિવસ કરતા વધુ સમયથી અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી ઉત્તર ભારતમાં જામેલી હિમવર્ષા અને રાજ્યમાં આવેલા વાતાવરણના પલટા બાદ ઠંડી સતત પોતાનું જોર બતાવી રહી છે. ખાસ કરીને નલિયા અને કચ્છના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો રાજ્યમાં ગિરનાર પર્વત પર પ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં પ ડિગ્રી, ગાંધીનગરમાં ૮.પ, કંડલા એરપોર્ટમાં ૧૦.૬, રાજકોટમાં ૧૦.૯, ડીસામાં ૧૧.ર, અમદાવાદમાં ૧૧.૭, કેશોદમાં ૧ર.૦, ભૂજમાં ૧ર.૭ તેમજ અમરેલી અને વડોદરામાં લઘુતમ તાપમાન ૧ર.૮ ડિગ્રી જેટલુ નીચું નોંધાયું હતું. આવનાર દિવસોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. હાલ ઠંડીના પરિણામે લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે તેમજ કોરોનાના સંક્રમણ વચ્ચે ઠંડીથી બચવાના ઉપાયો પણ હાથ ધરે છે. કાતિલ ઠંડીના આ સમયગાળામાં ફૂટપાથ પર રહેનારા અને ઘર વિહોણા લોકોની તેમજ પશુ-પક્ષીઓની હાલત કફોડી બની છે. ઠંડીને કારણે વહેલી સવારે અને સમી સાંજે લોકોની ઓછી ચહલ-પહલ જોવા મળે છે આમ ઠંડીએ સમગ્ર પ્રકૃતિને બાનમાં લીધી છે.