અમદાવાદ, તા.ર૦
રાજ્યભરમાં દલિતો ઉપર થઈ રહેલી અમાનુષી અત્યાચાર અને પાટણમાં ભાનુભાઈ વણકરે કરેલ અગ્નિસ્નાનમાં સરકારી બેદરકારીના વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના મહેબૂબ પઠાણના જણાવ્યા મુજબ પ્રમુખ ચેતન રાવલની અધ્યક્ષતામાં પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજ્યભરમાં દલિતો પર અત્યાચારને લીધે પરિસ્થિતિ દિન-પ્રતિદિન અત્યંત ખરાબ થઈ રહી છે. છેક થાનગઢથી શરૂ થયેલો દલિતો ઉપર દમનનો આ સીલસીલો રાજ્યમાં ચાલુ જ રહ્યો છે. વર્તમાન સરકારની દલિત વિરોધી માનસિકતાની બંધારણ મુજબના વહીવટ ઉપર અસર ના પડે તે જોવાની જવાબદારી અને બંધારણીય ફરજ આપની છે.
સાંથણીના કાયદેસરના હુકમો થયા હોય અને સનદ પણ આપી હોય પરંતુ જમીનનો કબજો આપવામાં આવ્યો ન હોય અને તે જમીન પર અસામાજિક તત્ત્વોનો કબજો હોય કે પછી દલિત સમાજના યુવાન દ્વાર ઘોડા ઉપર બેસવાની કે હેરકટની સ્ટાઈલ જેવા નજીવા મુદ્દે દલિતો ઉપર અત્યાચાર અને દમનની રોજિંદી બની ગયેલી ઘટનાઓ સમગ્ર રાજ્ય માટે કલંકરૂપ અને શરમજનક છે.
કોંગ્રેસ પક્ષ દલિતો ઉપર દમન પરત્વે સરકારી તંત્રની નિષ્ક્રિયતાને વખોડી કાઢે છે અને આથી તાકીદ કરે છે કે, આપના તાબા હેઠળના વિસ્તારમાં દલિતો સાથે કોઈ અન્યાય ના થાય અને તેમના કાયદેસરના પડતર પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવામાં આવે. જેથી પાટણમાં બન્યું તેમ ભાનુભાઈ વણકરના આત્મવિલોપન જેવી કરૂણ ઘટનાઓ બને નહીં.
યાદીના અંતે જણાવ્યું હતું કે ભૂતકાળની જેમ સરકારના આશ્વાસનો માત્ર કાગળ ઉપર ન રહે અને અમલ વગરના ઠાલા આશ્વાસનો ના બની રહે તે માટે આ તમામ બાબતોનો તાકીદે અમલ કરીને નક્કર પગલાં લેવાની જવાબદારી આપની છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન રાવલ, અ.મ્યુ. કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, અમદાવાદ યુથ કોંગ્રેસના પ્રમુખ ભૂમન ભટ્ટ, અમદાવાદ પશ્ચિમના મહિલા પ્રમુખ શ્રીમતી આનલબેન પટેલ, પૂર્વ ડે.મેયર ખેમચંદ સોલંકી, શાહનવાઝ શેખ સહિત કોંગ્રેસના આગેવાન કાર્યકર ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.