અમદાવાદ, તા.૯
રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ ૯ જૂનનારોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર કરાતા પરિણામની રાહ જોતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો. કોરોનાના કહેર અને લોકડાઉન વચ્ચે ધોરણ-૧૦નું ૬૦.૬૪ ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ ર૦ર૦માં લેવાયેલી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૭,૯ર,૯૪ર વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાં ૪,૮૦,૮૪પ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી પ૬.પ૩ ટકા છોકરાઓ જ્યારે ૬૬.૦ર ટકા છોકરીઓ પાસ થઈ છે. રાજ્યમાં ૭૪.૬૬ ટકા પરિણામ સાથે સુરત જિલ્લો પ્રથમ રહ્યો છે. જ્યારે દાહોદ જિલ્લાનું ૪૭.૪૭ ટકા સૌથી ઓછું પરિણામ આવ્યું છે. એ જ રીતે જોઈએ તો રાજ્યમાં સૌથી ઊંચું પરિણામ ૯૪.૭૮ ટકા બનાસકાંઠાના સપ્રેડા કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું ૧૪.૦૯ ટકા પરિણામ દાહોદના રૂવાબારી કેન્દ્રનું આવ્યું છે. ગત વર્ષે ધોરણ-૧૦નું પરિણામ ૬૬.૯૭ ટકા આવ્યું હતું. જેની તુલનામાં આ વર્ષે ૬ ટકા જેટલું ઓછું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ર૯૧ છે જ્યારે ૧૭૪ શાળાઓનું પરિણામ ૦ ટકા આવ્યું છે તો ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી ૧૮૩૯ શાળાઓ છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પ૭.પ૪ ટકા, અંગ્રેજી માધ્યમનું ૮૬.૭પ ટકા જ્યારે હિન્દી માધ્યમનું પરિણામ ૬૩.૭૪ ટકા આવ્યું છે. આ વર્ષે ગણિત પેપર અઘરૂં રહ્યાની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે ગણિત વિષયમાં કુલ ૩ લાખ ૧૦ હજાર ૮૩૩ વિદ્યાર્થીઓ એટલે કે ૩૯ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જ્યારે રાજ્યભરમાંથી એ૧ ગ્રેડ મેળવનારા માત્ર ૧૬૭૧ વિદ્યાર્થીઓ જ છે જ્યારે રીપીટરોનું ૯.૧૦ ટકા અને ખાનગી ઉમેદવારોનું ૬.૧ર ટકા પરિણામ આવ્યું છે. ટૂંકમાં ગત પાંચ વર્ષમાં સૌથી ઓછું પરિણામ આ વર્ષે રહ્યું છે. આ પરિણામમાં વિદ્યાર્થીઓનું ધોવાણ થયું છે. તેમજ ગ્રેડ વાઈઝ રિઝલ્ટમાં પણ ભારે માર પડ્યો છે. આ વખતની પરીક્ષામાં ગેરરીતિના ૧ર૪ કેસ નિરિક્ષકોએ પકડ્યા છે જ્યારે સીસીટીવી કેમેરાના આધારે ૧૧૧૯ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ પણ થયા છે. આ વખતે જાહેર થયેલ પરિણામમાં અન્ય કારણોસર ર૩ વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. પૂરક પરીક્ષા, દફતર ચકાસણી અને ગુણ ચકાસણી અંગેની બાબતો વિશે સંબંધિતોને જાણ કરવામાં આવી છે. ટૂંકમાં આ વર્ષે ધોરણ-૧૦નું ૬૦.૬૪ ટકા જેટલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ધો.૧૦નું પરિણામ રાજ્યના કથળતા સ્તરની સાબિતી

અમદાવાદ, તા.૯
આજે ગુજરાત બોર્ડનું ધો.૧૦નું રિઝલ્ટ આવ્યું છે જેમાં ૬૦.૬૪ % વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ટકાવારી પાછલા વર્ષ કરતા ૬.૩૩ % ઓછી છે, આ વર્ષે એ-૧ ગ્રેડમાં માત્ર ૧૬૭૧ વિદ્યાર્થી પાસ થયા છે જ્યારે ગયા વર્ષે ૪૯૭૪ વિદ્યાર્થી એ-૧ ગ્રેડથી પાસ થયા હતા. આ વર્ષે ગયા વર્ષ કરતા માત્ર ડી ગ્રેડથી પાસ થનાર વિદ્યાર્થીઓનો વધારો થયો છે જેમાં આ વર્ષે ૧૩૯૭૭ વિદ્યાર્થીઓ ડી ગ્રેડથી પાસ થયા છે. ગયા વર્ષે આ સંખ્યા ૬૨૮૮ હતી આ બાબત ખૂબ જ ચિંતાજનક છે. સૌથી ઓછું પરિણામ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા દાહોદનો ૪૭.૪૭ % છે. આપણે ગુજરાતનાં શિક્ષણના કથળતા સ્તર બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે એમ મુજાહીદ નફીસે જણાવ્યું છે.
૨૦૧૯માં ગુજરાત દ્વારા કરવામાં આવેલા આંતરીક સર્વેમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં ૧૨૦૦૦ પ્રાથમિક શાળાઓમાં એક અથવા ર શિક્ષકો જ છે, ૯૦૦૦ શાળાઓમાં રમત-ગમતનું મેદાન જ નથી, ગુજરાતમાં ૧૧૩૭૬ પ્રાથમિક શાળાઓમાં સિમેન્ટ/ટીન શેડ (શિટેડ રૂફ)માં ચાલી રહી છે. તેમજ ૧૦,૦૦૦થી વુધ ક્લાસરૂમ જર્જરિત હાલતમાં છે, ડિસેમ્બર ૨૦૧૯માં વિધાનસભામાં શિક્ષણમંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માધ્યમિક શાળામાં શિક્ષકની ૨૩૭૧ જગ્યા ખાલી છે જેમાં ૪૯૪ અંગ્રેજી અને ૮૮૪ વિજ્ઞાન અને ગણિતના શિક્ષકોના પદ ખાલી છે તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્તર પર ૪૦૨૦ શિક્ષકોના પદ ખાલી છે. ગુજરાત રાઈટ ટૂ એજ્યુકેશન ફોરમ પહેલા પણ ઘણી વખત સરકારને પત્ર લખીને માંગ કરતું રહ્યું છે કે, રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવાની જરૂર છે.
આજે આવેલા પરિણામોમાંથી શીખીને પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી શાળાઓની સંખ્યા વધારવા, શિક્ષકોની નિમણૂંક કરવા, શિક્ષણના બજેટમાં વધારો, શૈક્ષણિક વાતાવરણ માટે જરૂરી પગલાઓ ભરવા જોઈએ જેથી રાજ્યના શિક્ષણને વૈશ્વિક કક્ષાનું બનાવી શકાય એમ આરટીઈ ફોરમ ગુજરાતના મુજાહિદ નફિસે જણાવ્યું છે.

ગુજરાતી માધ્યમના જ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં કાચા પડ્યા

અમદાવાદ, તા.૯
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.૧૦ની પરીક્ષાનું ગત વર્ષ કરતાં ઓછું આવ્યું છે. પરંતુ એથી યે ચિંતાજનક બાબત એ છે કે, ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ગુજરાતી વિષયનું પરિણામ ખૂબ નીચું છે. રાજ્યમાં આ વર્ષે ૧,૦૦,૩૪૮ વિદ્યાર્થીઓે ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે. રાજ્યમાં આ વર્ષે કુલ ૭,૦૨,૬૦૦ વિદ્યાર્થીઓેએ ધો.૧૦ની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ વિદ્યાર્થીઓ પૈકીના ૬,૯૧,૬૯૩ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામ મુજબ ગુજરાતી પ્રથમ વિષયમાં ગુજરાતી માધ્યમના ૫,૯૧,૩૪૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, આમ ગુજરાતી વિષયનું ધો.૧૦નું પરિણામ ૮૫.૪૯ ટકા છે. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દેખાવ સારો રહ્યો છે. અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી બીજી ભાષામાં પ્રભાવશાળી પરિણામ આવ્યું છે. અંગ્રેજી માધ્યમના ૧,૦૧,૬૬૭ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ પૈકીના ૧,૦૧,૨૪૪ વિદ્યાર્થીઓે પરીક્ષા આપી હતી જ્યારે તેમાંથી ૯૨,૭૮૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.