• દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં યોજાય છે • અભ્યાસક્રમ કેટલો ઘટાડશે તેવું સ્પષ્ટ ન થતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

અમદાવાદ, તા.૯

કોરોના મહામારીએ દુનિયાની સાથે સમગ્ર દેશને ભરડામાં લીધું છે. ત્યારે રાજ્યમાં પણ કોરોના અને લોકડાઉન-અનલોકની સ્થિતિ વચ્ચે હજુ પણ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જો કે, હજુ શાળાઓ કયારે ખુલશે તેને લઈને અવઢવ છે. ત્યારે શાળાઓ ખુલ્યા પછી ૧૦ અને ૧ર બોર્ડનો અભ્યાસક્રમ કેટલો રહેશે તે પણ એક પ્રશ્ન છે. ત્યારે ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે થોડી મોડી યોજાય એવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં લેવાતી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે કોરોના મહામારીને લીધે મોડી લેવાય એવા સંકેતો મળી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા અગાઉ ઓગસ્ટ મહિનામાં શાળાઓ શરૂ થાય તો એ મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવો. તેમજ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં પરીક્ષાઓ શરૂ થાય તો એ મુજબ અભ્યાસક્રમ ઘટાડવામાં આવશે. જો કે, એ અંગે પણ હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ સુધી શાળાઓ શરૂ થવા અંગે કોઈ ચોક્કસ સમય નક્કી નથી જેથી આગામી સપ્તાહમાં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ, શિક્ષણ કમિશનર બોર્ડના અધિકારીઓ, શિક્ષણ કમિશનર સહિતના અધિકારીઓ સાથે અગત્યની મીટિંગ રાખવામાં આવી છે તેમજ એમાં ધો.૧૦ તેમજ ૧રની પરીક્ષા સંભવત : માર્ચ મહિનાના અંતમાં તેમજ એપ્રિલ મહિનામાં લેવા અંગે નિર્ણય કરવામાં આવશે. જો કે, હાલના સંજોગોને ધ્યાનમાં રાખીએ તો એવું જણાવી શકાય કે, પરીક્ષાઓ આ વર્ષે પહેલીવાર એપ્રિલમાં લેવાઈ એવી પૂરતી શક્યતા રહેલી છે. એટલે કે, પરીક્ષા મોડી લેવાય એવી સંભાવના નકારી શકાય નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, શાળાની શરૂઆત કરવા અંગે આગામી ર૦મી સપ્ટેમ્બર માસ સુધીમાં સરકાર અગત્યનો નિર્ણય લેવાની છે. ત્યારે એના પરથી જ બોર્ડની આગામી પરીક્ષા કયારે યોજવામાં આવશે એનો કાર્યક્રમ પણ નક્કી કરી દેવામાં આવશે, આમ હાલની સ્થિતિ જોતા શાળાઓ બંધ છે ત્યારે બોર્ડની પરીક્ષાઓ મોડી યોજાય તેવી સંભાવના છે.