• રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૭ર,૧ર૦, મોત ર૬૭૪ અને ડિસ્ચાર્જ પપ,ર૭૬• અમદાવાદમાં નવા ૧૪૪ કેસ સાથે કુલ ર૮,૦૪ર કેસ જ્યારે સુરતમાં નવા ર૩૬ કેસ સાથે પ૪૬૧ કેસ નોંધાયા

 

અમદાવાદ,તા.૧૦

રાજયમાં કોરોનાના કેસો ઘટવાનું નામ  લેતા નથી. સરકાર દ્વારા  અન્ય રાજયોની સરખામણી કરીને નવા કેસો નોંધાવામાં ગુજરાત દેશમાં ૧૪માં ક્રમે હોવાનું કહી લૂલો બચાવ કરે છે. પરંતુ રાજયમાં સરેરાશ ૧૦૦૦ નવા  કેસો નોંધાયા છે. ત્યારે સોમવારે રાજયમાં કોરોનાના  ૧૦પ૬ નવા કેસ નોંધાયા છે. જયારે ર૦ લોકોનાં મોત નીપજયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં ૮ લોકો કોરોનાનો કોળિયો બની ગયા છે. આમ ગતિશીલ ગુજરાતમાં કોરોનાના નવા કેસોની ગતિ સરેરાશ એક હજાર  છે.  ત્યારે આ આંકડો કયારે નીચે આવશે અને  ગુજરાત કોરોના મુકત બને તેની લોકો રાહ જોઈ રહ્યા છે. કોરોનાના વધુ ૧૦પ૬ નવા કેસ નોંધાતા  રાજયમાં કોરોના કેસોનો કુલ આંકડો ૭ર,૧ર૦એ પહોંચ્યો છે. રાજયમાં નવા ૧૦પ૬ કેસ સાથે ર૦ દર્દીઓના મોત થયા છે.  જયારે ૧૧૩૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. જો કે  રાજયમાં ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સોમવારે રાજયમાં કુલ ર૯૬૦૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે રાજયની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન ૪પપ.૪૪ ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. આમ રાજયમાં અત્યાર સુધી કુલ ૧૦,૧૭,ર૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલે રાજયમાં હાલ કુલ કોરોનાના કુલ કેસ ૭ર,૧ર૦ છે. જયારે એકિટવ કેસ ૧૪૧૭૦ છે. તો વેન્ટીલેટર ઉપર ૭૬ દર્દી છે. તો ૧૪૦૯૪ દર્દી સ્ટેબલ છે. જયારે કુલ ર૬૭૪ લોકોના મોત  કોરોનામાં થયા છે. ઉપરાંત અત્યાર સુધીમાં પપર૭૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજયમાં કોરોનાથી નવા ર૦ મોતની વાત કરીએ તો અમદાવાદમાં ૪, સુરતમાં ૮, વડોરદામાં ર, અમરેલી, ભાવનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં  એક-એક મોત નોંધાયા છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં નવા ૧૪૪ કોરોનાના કેસ સાથે કુલ ર૮૦૪ર કેસ નોંધાયા છે. જયારે કુલ ૧૬૩૮ લોકોના મોત થયા છે. તેવી જ રીતે સુરતમાં ર૩૬ નવા કેસ સાથે કુલ ૧પ૪૬૧ કેસ નોંધાયા છે જયારે કુલ પ૧પ મોત થયા છે. વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ૧૦૮ નવા કેસ સાથે કુલ પ૭ર૦ કેસ અને કુલ ૧૦રનાં મોત નીપજયા છે. રાજકોટમાં પણ નવા  ૯૬ કેસ સાથે કુલ ર૭૦ર કેસ અને કુલ ૪૯ લોકોને કોરોના ભરખી ગયો છે. રાજયના જુદા જુદા જિલ્લાઓમાં હાલ ૪,૯પ,ર૪૧ લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તે પૈકી ૪,૯૩,૬૪૪ લોકો હોમ કવોરેન્ટાઈન છે. જયારે ૧પ૯૭ લોકોને ફેસીલીટી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે જો કે કોરોનાથી સાજા થવામાં અમદાવાદના ૧૧૩ અને સુરતના ર૬૦ દર્દીઓ નોંધાયા છે. એટલે રાજયમાં આજે વધુ ૧૧૩૮ દર્દીઓ સાજા  થયા છે. જેને લીધે કોરોનાથી સાજા થવાનો દર ૭૬.૬૪ ટકા નોંધાયો છે.