ફાઇલ તસવીર

અમદાવાદ, તા.૧પ

આજે સમગ્ર વિશ્વ પર જ્યારે કોરોનાની મહામારી કહેર બનીને ત્રાટકી છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની દિન-પ્રતિદિન વધતી સંખ્યા ખરેખર જ ચિંતાજનક ગણાય એ સ્વાભાવિક છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયોચિત પગલાં, જિલ્લાવાર ઊભી કરાયેલી સ્પેશિયલ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ્સ અને આ તમામ સ્થળે કોરોના સામે લડતાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સ એવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની અથાક મહેનતના ફળરૂપે આજે ગુજરાત ૪૦.૬૩ ટકા જેટલો હાઇએસ્ટ કોરોના રિકવરી રેટ હાંસલ કરી શક્યું છે. જે સમગ્ર દેશ જ નહીં, સમગ્ર વિશ્વના રિકવરી રેટની સરખામણીએ વધારે છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ ૯૯૩૨ કોરોના પોઝિટિવ કેસની સામે કુલ ૪૦૩૫ દર્દી કોરોનાની સારવાર મેળવીને સ્વસ્થ થયા છે, એટલે કે આ રિકવરી રેટ લગભગ ૪૦.૬૩ ટકા જેટલો ઊંચો થવા જાય છે. માત્ર છેલ્લા ૨૪ કલાકના આંકડા પર નજર કરીએ, તોપણ ૩૪૦ નવા પોઝિટિવ કેસની સામે ૨૮૨ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. જ્યારે રાજ્યભરમાંથી અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ૧,૨૭,૮૫૯ ટેસ્ટ્‌સની સામે ૧,૧૭,૯૨૭ ટેસ્ટ્‌સ નેગેટિવ આવ્યા છે, તેમ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના કર્મવીરોની સેવા, નિષ્ઠા અને પ્રામાણિકતા થકી, જેમની ઉમદા કામગીરીની પ્રશંસા કરતાં કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓ થાકતાં નથી. વાત કરીએ કલોલ ગામે રહેતાં ૬૩ વર્ષીય હીરાબેનની. કેન્સરના દર્દી એવાં હીરાબેન અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્યકર્મીઓ દ્વારા તેમની કરવામાં આવેલી સેવાની વાત કરતાં ભાવુક થઈ જાય છે.