હાઈકોર્ટે સરકાર પાસેથી સૂચનો મેળવવા આદેશ કર્યો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
રાજયમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો જે મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી પણ કાઢી હતી. જયારે આ મુદ્દે વિશેષ ધ્યાન રાખવા પણ જણાવાયું હતું. આવનાર દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે તો લોકોમાં કોરોનાની કેસ વધવાની ભીતિ જોવા મળી રહી છે. ત્યારે કોરોના મહામારીના કારમા કાળમાં રાજયમાં ઉતરાયણના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે અરજદાર દ્વારા અરજીમાં ઉતરાયણ દરમ્યાન પતંગ ચગાવવા અને વેચવા પર પ્રતિબંધની માગ કરાઈ છે જેને પગલે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસેથી સુચનો મેળવવા આદેશ કર્યો છે. અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, પતંગના વેચાણ અને ખરીદીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, જેથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલને સરકાર પાસેથી સુચનો મેળવવાનો આદેશ કરવામાં આવ્યો છે. અરજદાર મૌલિક માંકડ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ છેલ્લા ૯ મહિનાથી મહેનત કરી રહ્યું છે. જો લોકોની તહેવારોની ઉજવણી પર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો મેડિકલ ટીમ પર બોજ વધશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, અને અન્ય કોવિડ ગાઈડલાઈનના પાલન માટે પોલીસ પેટ્રોલિંગ અને ડ્રોનથી નજર રાખવામાં આવે. ધાબુ, ફુટપાથ કે જાહેર રોડ પર પતંગ ચગાવવા માટે લોકો ભેગા ન થાય તેના માટે નિર્દેશ આપવામાં આવે. તેવી પણ માગ કરવામાં આવી છે. જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પતંગ અને દોરીનું વેચાણ કરનાર વેપારી પણ સુરપ સ્પ્રેડર બની શકે છે. આ વર્ષે ઉતરાયણનો તહેવાર ગુરૂવાર અને શુક્રવારે આવી રહી છે, જેથી લોકો શનિ-રવિમાં પણ પતંગ ચગાઈ શકે છે. ગત નવેમ્બર અને ડિસેમ્બરમાં કેટલાક લોકોની લાપરવાહીને લીધે કોરોનાના કેસમાં વધારો થયો હતો.