(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૯
ગુજરાત સરકારના ગૃહ વિભાગે બે દિવસ અગાઉ બહાર પાડેલા લાઉડ સ્પીકર દ્વારા અઝાન આપવા પર પ્રતિબંધનો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં રાજ્યમાં ઘણી જગ્યાએ પોલીસ દ્વારા આ પરિપત્રનું ખોટું અર્થઘટન કરી મસ્જિદોમાં અઝાન બંધ કરાવતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી મસ્જિદમાં અઝાન આપવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ કરવા પર પ્રતિબંધ ન ફરમાવે તેવી સૂચના આપવા અપીલ કરી છે. ધારાસભ્ય શેખે પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના નોટિફિકેશનમાં એવું ક્યાંય પણ લખવામાં આવ્યું નથી કે ગુજરાતમાં અઝાન પર પ્રતિબંધ છે છતાં પણ રાજ્યમાં ઘણી જગ્યાએ પોલીસ દ્વારા અઝાન બંધ કરાવવામાં આવે છે. નોટિફિકેશનનો હેતુ સ્પષ્ટ છે કે જાહેર ધાર્મિક પ્રવૃત્તિ, પૂજા, બંદગી કે જેમાં લોકો એકત્ર થાય તે માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકડાઉન પછી રાજ્યની બધી મસ્જિદો, દરગાહો, કબ્રસ્તાનો, મદ્રેસાઓમાં લોકડાઉનનું મુસ્લિમ સમાજ દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને મસ્જિદોમાં નમાઝ માટે નમાઝીઓ એકત્ર થતા નથી લોકો અઝાન સાંભળી પોત પોતાના ઘરોમાં જ નમાઝ અદા કરે છે. હાલ લાઉડ સ્પીકર પર અઝાન મસ્જિદોમાં નમાઝીઓને એકત્ર કરવા માટે આપવામાં આવતી નથી પરંતુ લોકોને યાદ અપાવવા લોકો ઘરમાં નમાઝ પઢી શકે તે હેતુથી નમાઝના સમયની માહિતી આપવા માટે કરવામાં આવે છે. ગુજરાત સરકારના નોટિફિકેશનમાં અઝાન માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ નથી જેથી આપ પોલીસને સૂચના આપો કે એ મસ્જિદમાં અઝાન આપવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ન ફરમાવે.